અમદાવાદને ‘સ્પોર્ટ્સ સિટી’ બનાવવા કોર્પોરેશન બજેટ દ્વારા રૂ. 430.84 કરોડનો બૂસ્ટર ડોઝ

Tuesday 10th February 2026 15:09 EST
 
 

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 2026-27ના વર્ષ માટે રજૂ કરેલા રૂ. 17,018 કરોડના ડ્રાફ્ટ બજેટમાં પાણી, ડ્રેનેજ અને બ્રિજ સહિત માળખાકીય સુવિધા ડેવલપ કરવા ભાર મુકાયો છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા ગતવર્ષ કરતાં આ વર્ષ બજેટમાં રૂ. 2 હજાર કરોડનો વધારો કરાયો છે. અમદાવાદને આગામી સ્પોર્ટ્સ આયોજનો માટે ‘સ્પોર્ટ્સ સિટી’ બનાવવા કોર્પોરેશન દ્વારા ખાસ રૂ. 430.84 કરોડ ફાળવાતાં નવાં વિકાસકાર્યોને બૂસ્ટર ડોઝ મળ્યો છે.
AMC કમિશનર બંચ્છાનિધિ પાનીએ આગામી વર્ષના બજેટને સસ્ટેનેબલ, ઇન્કલ્યુઝિવ. એડેપ્ટિવ અને ફ્યુચરિસ્ટિક બજેટ ગણાવ્યું છે. આગામી વર્ષના બજેટમાં અંદાજે રૂ. 430 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રક્ચર સુવિધા ડેવલપ કરવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઇટ રામદેવનગરથી ઇસ્કોન સુધી અને બોપલ રિંગરોડથી ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરાઈ છે.
પાંચ રેલવે ઓવરબ્રિજ અને નવા 3 ફ્લાયઓવર બનાવવાની પણ જાહેરાત કરાઈ છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અમલમાં મુકાશે. શહેરમાં 100 ટ્રાફિક જંક્શનનો સાયન્ટિફિક સરવે કરાયો છે અને રૂ. 10 કરોડના ખર્ચે ટ્રાફિક જંક્શન ડેવલપ કરાશે. રૂ. 980 કરોડના ખર્ચે મેમનગર, હંસપુરા, અખબારનગર અને સાબરમતી ખાતે 4 મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાશે. રૂ. 60 કરોડના ખર્ચે કાંકરિયા પિકનિક હાઉસનું નવીનીકરણ કરાશે. ભૂગર્ભ જળસ્તરને ઊંચાં લાવવા શહેરમાં આવેલાં તળાવોને ઇન્ટરલિન્ક કરાશે. AMCની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને કોઈ નવા કરવેરા લદાયા નથી. બજેટમાં વરસાદી પાણીના નિકાલ માટે પણ ચાલુ વર્ષે ખાસ કરીને જોગવાઈ કરાઈ છે.


comments powered by Disqus