અમેરિકાના ઘટેલા ટેરિફથી સુરત હીરાઉદ્યોગ ફરી ધમધમશે

ટેરિફ પહેલાં ભારત-અમેરિકા વચ્ચે 10 બિલિયન ડોલરનો વેપાર હતો

Tuesday 10th February 2026 15:08 EST
 
 

સુરતઃ અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડવાને કારણે સૌથી વધુ રાહત હીરા ઉદ્યોગકારોને થવાની છે, કારણ કે 50 ટકા ટેરિફ લાદવાના કારણે હીરાઉદ્યોગનો અમેરિકા સાથેનો વેપાર 50 ટકા ઘટી ગયો હતો. હવે ટેરિફ ઘટાડવાના કારણે પહેલાની માફક વેપાર થવાની શક્યતા છે. સુરતના હીરા ઉદ્યોગનો પહેલા 10 બિલિયન ડોલરનો વેપાર થતો હતો, તે જ પ્રમાણે વેપાર થવાની આશાઓ ઊભી થઈ છે.
અમેરિકાએ ભારત પર લાદવામાં આવેલા ટેરિફને ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે. જો કે હીરામાં કેટલા રૂપિયા ટેરિફ લેવાશે તેની જાહેરાત હજુ સુધી કરાઈ નથી. આગામી થોડા દિવસોમાં કઈકઈ વસ્તુ પર કેટલો ટેરિફ વસૂલાશે તેની જાહેરાત કરાશે.
જો કે પહેલા હીરા પર એક પણ રૂપિયાનો ટેક્સ એટલે કે ટેરિફ વસૂલાતો નહોતો, તેના કારણે હાલમાં ઘટાડેલા ટેરિફમાં પણ તેવી જ રાહત મળે તેવી આશા હાલ તો હીરા ઉદ્યોગકારો સેવી રહ્યા છે.
બીજી તરફ હીરાઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે, ટેરિફ ઘટાડવાના કારણે છેલ્લા કેટલાય સમયથી હીરાઉદ્યોગ વિષમ પરિસ્થિતિથી પસાર થઈ રહ્યો હતો તેમાં રાહત ચોક્કસ થશે, કારણ કે પહેલા જે રીતે અમેરિકા સાથે હીરાનો વેપાર થતો હતો તે ફરી ધમધમતો થવાનો છે.
આ કારણોસર હીરાઉદ્યોગમાં આગામી દિવસોમાં તેજી જોવા મળે તેવા પણ સંજોગો હાલ તો જોવા મળી રહ્યા છે. તેમ છતાં ટેરિફ કેટલો લેવામાં આવે છે તેની સત્તાવાર જાહેરાત થયા પછી જ હીરાઉદ્યોગમાં સાચું ચિત્ર બહાર આવે તેમ છે.


comments powered by Disqus