જૂનાગઢ: જૂનાગઢના ગરવા ગિરનારના ખોળામાં શિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભવનાથની તળેટીમાં અત્યારથી જ આધ્યાત્મિક ચેતનાનો સંચાર થઈ ચૂક્યો છે. આગામી 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ લોકમેળામાં ભાગ લેવા માટે સંતો અને નાગા સાધુઓનું આગમન શરૂ થઈ ગયું છે. મહાશિવરાત્રીનો મેળો આગામી બુધવારથી શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ભવનાથમાં સાધુઓના ઉતારા ધમધમતા થયા છે. સાધુ-સંતોએ પોતાનાં નિયત સ્થાનો ગ્રહણ કરી શ્રદ્ધાના ધુણા ધખાવ્યા છે. આ ધુણા પર જ ચા-પાણી અને રસોઈ બનાવી સાધુઓ ભક્તોને પ્રસાદી પણ વહેંચી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. દરવર્ષે આ મેળામાં લાખોની જનમેદની ઊમટે છે, પરંતુ આ વર્ષે ભક્તોનો પ્રવાહ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે.

