વડોદરાઃ વડોદરાના ચાંદીના માર્કેટ પર હાલની મંદીની ખૂબ મોટી અસર થઈ છે. શહેરમાં નાનાં-મોટાં 6થી વધુ ચાંદીનાં કારખાનાં બંધ થયાં છે, જેને પગલે તેમાં કામ કરતાં 300થી વધુ કારીગરો બેરોજગાર બન્યા છે. વડોદરામાં ખાસ થાળી, વાટકી, ગ્લાસ, લગડી બને છે અને તેની માગ હાલ બંધ થઈ ગઈ છે.
એમજી રોડના પુરુષોત્તમદાસ એન્ડ સન્સના સંચાલક સંજય સોનીએ કહ્યું કે, ચાંદીના ગ્રાહકોની માગ 95 ટકા ઓછી થઈ ગઈ છે. જ્યારે સોનાની માગ પણ 70 ટકા ઘટી છે. વડોદરાથી મહિને રૂ. 53.20 લાખનું ઉત્પાદન બંધ થઈ ગયું છે.
સામાન્ય રીતે ચાંદીના ભાવમાં દરવર્ષે 10-15 ટકા જેટલો વધારો થતો હતો, પરંતુ હાલ એક સાથે ભાવમાં વધારો થતાં માર્કેટ તૂટ્યું છે. વૈશ્વિક જિયો પોલિટિકલ કારણોથી બુલિયન માર્કેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી અને નાતાલે પણ ચાંદીની માગ વધે છે. જો કે તે સમયે પણ ચાંદીની વધુ ખરીદી થઈ નહોતી. ચાંદીનું મેન્યુફેક્ચરિંગ ફક્ત 3 ટકા જ બચ્યું છે અને વેચાણ 5 ટકા જ છે.
70ને બદલે 10 ટકા ચાંદીની આયાત
શહેરમાં પાયલ, કંદોરા, કડા, લક્કી, ચેઇન, બ્રેસલેટ, રાખડી, પેન્ડલ સેલ, ઝૂડો બનતાં નથી. જે રાજકોટ, અમદાવાદ, આગ્રા અને કોલ્હાપુરથી મગાવાય છે. આ ચાંદીની વસ્તુઓ હવે ફક્ત 10 ટકા જ મગાવાઈ રહી છે.
ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 30 ટકા ભાવનો ઉછાળો આવી ગયો હતો. જ્યારે એક મહિનામાં ભાવ ડબલ થઈ ગયો હતો. અત્યારે ચાંદીના ધંધા બંધ જેવા પડ્યા છે, મોટાભાગના લોકો પાસે કામ નથી.

