ગાંધીનગરઃ ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ બાદ ઘટાડાયેલા દર પછી દેશમાં સૌપ્રથમ ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિન્ક વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ - Lol એક્સચેન્જ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત મુખ્યસચિવ એમ.કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્રસચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ ડો. વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતી, મુખ્યમંત્રીના સચિવ ડો. અજયકુમાર અને રાજ્ય સરકાર તથા સ્ટારલિન્કના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિન્ક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે આ Lolની પરસ્પર આપ-લે કરી હતી.
ગુજરાત સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિન્ક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ કર્યાં છે, જેના રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન, સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના, ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇસ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવાશે.
જોઇન્ટ વર્કિંગ ગ્રૂપનું ગઠન કરાશે
આ પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ, ઇ-ગવર્નન્સ સુવિધા, સરકારી શાળા, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન કરાયું છે. રાજ્યમાં સિમલેસ અને ઈઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભે આ Lolના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિન્કના પ્રતિનિધિઓની જોઇન્ટ વર્કિંગ ગ્રૂપની રચના કરાશે.

