અમદાવાદઃ લોકવાયકા છે કે જ્યારે મહિષાસુર નામના દૈત્યના ત્રાસથી ત્રણેય લોક ધ્રૂજી ઊઠ્યા હતા, ત્યારે દેવોની રક્ષાકાજે આદ્યશક્તિ મા અંબા પ્રગટ થયાં. ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી એક દિવ્ય અંશ કાઢી માતાજીને અર્પણ કર્યો અને એ જ અમોઘ શસ્ત્રથી મા અંબાએ મહિષાસુરનો સંહાર કરી તે દિવ્ય ત્રિશૂળ ઉત્તરકાશીની ધરતી પર સ્થાપિત કર્યું. જે આજે પણ અડીખમ છે. ત્યારે હવે એ જ દિવ્યતાનો સાક્ષાત્કાર માઇભક્તોને મા અંબાના ધામ અંબાજી ખાતે થશે.
તાજેતરમાં જ અમદાવાદના જય ભોલે ગ્રૂપ દ્વારા એક ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું કાર્ય કર્યું છે. ઉત્તરકાશી સ્થિત 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂળની પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું છે, જેને ટૂંક સમયમાં દર્શન માટે ખુલ્લું મુકાશે.

