અમદાવાદઃ સામાજિક પ્રતિબદ્ધતાના સંકલ્પને સેવારૂપ આગળ વધારવાની ભાવના સાથે રચાયેલ ‘અદાણી મંગલ સેવા’ને એક વર્ષ અને સાથેસાથે દિવા અને જિત અદાણીના વૈવાહિક જીવનના પ્રથમ વર્ષ મેરેજ એનિવર્સરીની ઉજવણી નિમિત્તે અમદાવાદના શાંતિગ્રામ સ્થિત બેલ્વેડેર ક્લબમાં વિશેષ ઉજવણી કરાઈ હતી. ગૌતમ અદાણીએ દિવાને હાર્દિક શુભકામના પાઠવી હતી. ગતવર્ષે તેમના લગ્નની સાથે જ ‘મંગલ સેવા’નો સંકલ્પ લીધો હતો.
અદાણી મંગલસેવાને એક વર્ષ પૂર્ણ
આ પહેલ અંતર્ગત 500 લાભાર્થી દિવ્યાંગ મહિલાઓને રૂ. 10 લાખની ફિક્સ ડિપોઝિટ કરી આપી રૂ. 50 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી મંગલ સેવા 25થી 40 વર્ષની દિવ્યાંગ મહિલાઓ માટે રચાયેલી એક સામાજિક સુરક્ષાની પહેલ છે. જે દર વર્ષે 500 લાભાર્થી મહિલાઓને દીર્ઘકાલીન નાણાકીય સ્થિરતા આપે છે. આ યોજના અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારીમાં દરેક લાભાર્થીને રૂ. 10 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ અપાય છે, જેના દ્વારા માસિક આવક અને 10 વર્ષ બાદ મુખ્ય રકમની સુરક્ષા સુનિશ્ચિત થાય છે. આ પહેલ માટે દર વર્ષે રૂ. 50 કરોડનું ભંડોળ ફાળવાય છે.
અદાણી ફાઉન્ડેશનનાં અધ્યક્ષા ડો. પ્રીતિ અદાણીએ જણાવ્યું કે, આ માત્ર એક યોજના નહીં, પરંતુ માનવીય ગૌરવ, આશા અને સશક્તિકરણની સંવેદનાત્મક પ્રતિબદ્ધતા છે. જીવનની સુખદ પળોને સમાજ સાથે વહેંચવી એ સાચી સેવા છે.
જિત અદાણીએ કહ્યું, મંગલસેવા તેમના માટે પૂર્ણ થતી પહેલ નહીં, પરંતુ લાંબાગાળાની જવાબદારી છે, જે શાંતિ, વિશ્વાસ અને સન્માન સાથે આગળ વધારવાની છે. દિવા અદાણીએ કહ્યું, આ સેવા વિશ્વાસના પાયા પર નિર્મિત છે અને દિવ્યાંગ મહિલાઓને સુરક્ષા અને ગૌરવ સાથે આગળ વધવાની તક આપે છે.
આ ઉજવણી પ્રસંગે લાભાર્થીઓને ફિક્સ્ડ ડિપોઝિટનાં પ્રમાણપત્રો અપાયાં હતાં તથા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.

