કેટલાક લોકોના કારણે સરકારી અધિકારીઓની ઓળખ ભ્રષ્ટાચારી તરીકે થઈ રહી છે, ત્યારે 35 વર્ષીય ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ – એસડીએમ હરેશભાઈ ટી. મકવાણાએ પોતાની સ્વચ્છ છબી અને કાયદા મુજબની કાર્યશૈલીથી પોતાની એક આગવી ઓળખ બનાવી છે.
કાયદાની કડક અમલવારી
એકાદ વર્ષ પહેલાં જ ચોટીલા એસડીએમ તરીકે હરેશભાઈ મકવાણાએ ચાર્જ લીધો. જે બાદ તરત જ તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ચોટીલા, થાન અને મૂળીમાં ક્યાં કેવું ગેરકાયદે ખનન અને દબાણો થયાં છે તેનો અંદાજ મેળવી લીધો હતો, જે અંતર્ગત નીડરતાથી તેમણે આ ગેરકાયદે કાર્યોનો અંત આણવાનું શરૂ કર્યું. જેમાં તેમણે ગેરકાયદે દુકાનો, હોટેલો અને અન્ય દબાણ હટાવવાની સાથે ગેરકાયદે ખનિજની ચોરી કરતાં તત્ત્વો પર પણ લગામ કસી લીધી. ઉલ્લેખનીય છે કે, ચોટીલામાં માતાજીના સ્થાનકના રસ્તામાં 400થી વધુ ગેરકાયદે દુકાનોનું દબાણ હતું. આ 40 ફૂટના રસ્તાને દબાણકારોએ માત્ર 20 ફૂટનો જ કરી દીધો હતો. અહીં એસડીએમ સાહેબે તમામ દબાણો દૂર કરાવ્યાં અને સરકારી જમીનને ખુલ્લી કરાવી છે. આ કામ તેમના દ્વારા કરાયેલા સૌથી મોટા ડિમોલિશન પૈકી એક હતું. આવું જ એક કામ તેમણે થાનથી તરણેતરના રસ્તા પર પણ કર્યું, જેમાં 200થી વધુ દબાણ દૂર કરાયાં.
લોકોની સેવા માટે સમર્પણ
વર્ષ 2018થી એસડીએમ તરીકે કાર્યરત્ હરેશ મકવાણાએ અત્યાર સુધી ક્યારેય રજા લીધી નથી, ત્યાં સુધી કે જાહેર રજાના દિવસે પણ કચેરીમાં અથવા તેમના વિસ્તારમાં લોકોના હિત માટેનાં કાર્યો કરતા રહે છે. લોકોની સુખાકારી માટે તેમણે પોતાની કચેરીમાં ચિઠ્ઠીપ્રથા પણ બંધ કરાવી સોમવારનો દિવસ અરજદારો માટે સમર્પિત કર્યો છે.
તેમનું જીવન સંઘર્ષની કહાણી
એસડીએમ મકવાણાની સામાન્ય ઓળખ કડક અધિકારી તરીકેની છે. પરંતુ તેમની જીવનગાથા ખૂબ સંઘર્ષભરી છે, જેના અનેક અનુભવોના આધારે તેમણે પોતાની કાર્યશૈલી અને ઓળખ મેળવી છે. હાલના વાવ-થરાદી જિલ્લાના દિયોદર તાલુકાના લવાણા ગામના વતની હરેશ મકવાણાના પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે. માધ્યમિક શિક્ષણ સુધી તેમણે પણ પિતા સાથે કાચા મકાનમાં રહી ખેતીમાં મદદ કરી. આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે, ધોમધખતા તાપમાં ઉઘાડા પગે સ્કૂલે જવું પડતું, આ સમયે ગારામાં પગ રાખીને આ નાનકડો છોકરો પગને ઠંડક પહોંચાડતો. લવાણા ગામે જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ એક સમય એવો પણ આવ્યો જ્યારે માધ્યમિક શાળાની ફી ભરવાનાં નાણાં પણ તેમની પાસે નહોતાં. આવા સમયે થોડા મહિના અભ્યાસને છોડવો પડ્યો. જે બાદ પણ શિક્ષકોના વધેલાં પાઠ્યપુસ્તકો દ્વારા તેમણે તેમનો અભ્યાસ આગળ વધાર્યો. અભ્યાસમાં નિપુણતાના આધારે તેમણે ધોરણ-10 બાદ સાયન્ય પ્રવાહમાં પ્રવેશ લીધો અને ધોરણ-12 બાદ બી.ફાર્મ અને એમ.ફાર્મ સુધી અભ્યાસ કર્યો.
કરિયરે ક્યારે કેવો વળાંક લીધો?
વર્ષ 2013માં તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી મળી. જો કે તેમને વહીવટી અધિકારી બનવું હોઈ, વર્ષ 2017માં જીપીએસસીની પરીક્ષા પાસ કરી. જે બાદ વર્ષ 2018માં સૌપ્રથમ આદિજાતિ વિભાગમાં સરકારી અધિકારી તરીકે પોસ્ટિંગ મળ્યું, જે બાદ પંચમહાલ, મહિસાગર અને હાલમાં ચોટીલા ખાતે ફરજ બજાવી રહ્યા છે.

