પર્યાવરણ પ્રેમીઓએ પરાળમાંથી લેધર અને પ્લાયવૂડ શીટ્સ બનાવી

Tuesday 10th February 2026 15:08 EST
 
 

આણંદઃ કૃષિ યુનિવર્સિટી એઆઇસી ફાઉન્ડેશન ખાતે આણંદ સ્ટાર્ટઅપ ડે કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પર્યાવરણ પ્રેમી યુવાઓ દ્વારા પરાળમાંથી લેધર અને પ્લાયવૂડ શીટ્સ જેવી ઉપયોગી વસ્તુઓ બનાવી પર્યાવરણની જાળવણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે દેશમાં આશરે 35 કરોડ ટન અને ગુજરાતમાં અંદાજિત 80 લાખ ટન જેટલો ડાંગર-ઘઉંની પરાળનો જથ્થો ઉત્પાદિત થાય છે. ખેતરમાં અડચણ બનતાં પરાળનો નાશ કરવા ખેડૂતો તેને સળગાવી દે છે. જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ 30થી 40 ટકા વધી જાય છે.
આ જ સ્થિતિને જોતાં જેનિલ અને મનન નામના વિદ્યાર્થીઓએ લેધરની માગ વધતી જોઈ ત્યારે તેના પૂરક તરીકે વિગન લેધર વિશે વિચાર્યું હતું. પર્યાવરણ અને લોકોને જીવહત્યાથી બચાવવા આ એક મોટી પહેલ છે.
કાર્યક્રમમાં 23 એગ્રિ સ્ટાર્ટઅપ માટે કુલ રૂ. 1.02 કરોડનું ફન્ડિંગ મંજૂર કરવામાં આવ્યું હતું. રાજ્ય અને રાજ્ય બહારથી આવેલા ઇનોવેશનમાં ખાદ્ય, ડેરી અને કૃષિક્ષેત્રોમાં કૃષિ કચરા, પશુ આરોગ્ય અને ફૂડ પ્રોસેસિંગના પડકારો માટે નવીન ઉકેલો રજૂ કરાયા હતા.


comments powered by Disqus