પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પૂર્ણતાને આરે

Tuesday 10th February 2026 15:09 EST
 
 

વડોદરાઃ દેશના એરોસ્પેસ તથા ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે અતિ મહત્ત્વના તેમજ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેઇડ ઇન ઇન્ડિયા’ના સૂત્રને ચરિતાર્થ કરતાં વડોદરા ખાતે સ્થપાયેલા ટાટા એરબસ એસેમ્બલી લાઇન યુનિટ ખાતેથી પ્રથમ મેડ ઇન ઇન્ડિયા મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તેના નિર્માણના આખરી તબક્કામાં છે. આ એરક્રાફ્ટને વર્ષના મધ્યમાં એટલે કે જૂન-જુલાઇમાં વડાપ્રધાન મોદીના હસ્તે રોલઆઉટ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
બે વર્ષ અગાઉ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ તથા એરબસ દ્વારા વડોદરા નજીક ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે ભારતીય હવાઇ દળ (આઇએએફ) માટે 56 C295 પ્રકારના ટ્રાન્સપોર્ટ એરબસ અને ટાટા સંયુક્ત રીતે તૈયાર કરશે. જે ‘મેડ ઇન ઇન્ડિયા’ના સૂત્રને સાર્થક કરશે. આ એસેમ્બલી લાઇનના ઉદ્‌ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદી ઉપરાંત સ્પેનના પ્રેસિડેન્ટ પેડ્રો સ્નેઝ પ્રેઝ કાસ્ટઝેન તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, એરબસના સીઈઓ માઇકલ સ્ક્લોહોર્ન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સિંગાપોર ખાતે હાલ ચાલી રહેલા એર-શોમાં ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય વોલ્ટર વાન વેર્સ્ચે જણાવ્યું કે, વડોદરા યુનિટથી પહેલા ‘મેડ ઇન ઇન્ડિયા’ મિલિટરી ટ્રાન્સ્પોર્ટ એરક્રાફ્ટને વર્ષના મધ્ય ભાગમાં વડાપ્રધાન મોદી રોલઆઉટ કરશે. આ એરક્રાફ્ટ C295 પ્રકારનું છે. જેના 70 ટકા સ્પેરપાર્ટ ભારતમાં જ નિર્માણ કરાયાં છે. એન્જિન સહિત 30 ટકા ભાગ એરબસના સ્પેન ખાતેના વડામથક ખાતેથી આયાત કરાયા છે.


comments powered by Disqus