ભારત-સેશલ્સના સંબંધ ભૂતકાળથી ભવિષ્ય સુધી ફેલાયેલાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Tuesday 10th February 2026 15:49 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલા સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની તેમજ ભારતના પીએમ મોદી વચ્ચે સોમવારે હૈદરાબાદ હાઉસમાં મહત્ત્વની દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી, જેમાં કૂટનીતિક પગલાં લેવાયાં હતાં. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના સંબંધોને અનોખી ઊંચાઈએ લઈ જવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દ્વિપક્ષીય બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારી, દરિયાઈ સહયોગ અને પરસ્પર સંબંધોને આગળ ધપાવવા ચર્ચા કરાઈ હતી. આ સાથે કેટલાક મહત્ત્વના MoU કરાયા હતા. બંને નેતાઓએ સંયુક્ત પ્રેસને સંબોધન કર્યું, જેમાં બંને દેશના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ હર્મિનીને સેશલ્સના રાષ્ટ્રપતિ ચુંટાવા માટે અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ કહ્યું કે, બંને દેશનાં સંબંધો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સુધી ફેલાયેલા છે. દરિયાઈ પડોશી અને વિશ્વાસપાત્ર સાથીના રૂપે સેશલ્સ ભારતના મહાસાગર સાથે જોડાયેલી વિચારધારાનો મહત્ત્વનો હિસ્સો છે. બંને દેશનો સહયોગ દરિયાઈ ક્ષેત્રે, જમીન પર તેમજ હવામાં સતત મજબૂત થઈ રહ્યો છે. સેશલ્સ તેની આઝાદીનાં 50 અને ભારત સાથેનાં તેનાં સંબંધોનાં પણ 50 વર્ષ પૂરા કરી રહ્યું છે.
મોદીએ કહ્યું કે, ભારત અને સેશલ્સ આવનારા સમયમાં નવીન ઊર્જા, ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા તેમજ આફતોનો પ્રતિકાર કરવાનાં ક્ષેત્રોમાં સહયોગ વધારશે. દરિયાઈ પડોશી હોવાને નાતે બ્લૂ ઈકોનોમી એ બંને દેશોના સહયોગ માટેનું સ્વાભાવિક ક્ષેત્ર છે. બંને દેશો પરસ્પર સહયોગ મજબૂત કરશે અને હિન્દ મહાસાગરના ભવિષ્યને ઘડશે. બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો એ પરસ્પર સહયોગની મોટી તાકાત છે.
હર્મિનીએ શું કહ્યું?
સેશલ્સનાં રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીએ કહ્યું હતું કે હૈદરાબાદ હાઉસમાં આવીને હું સન્માન અનુભવું છું. જૂનમાં બંને દેશો રાજકીય સંબંધોની 50મી વર્ષગાંઠ મનાવશે. તે પ્રસંગે મેં પીએમ મોદીને સેશલ્સ પધારવા આમંત્રણ આપ્યું છે. બંને દેશોએ આગામી 5 વર્ષ માટે સહયોગ વધારવા સંયુક્ત વિઝન પર ચર્ચા કરી છે. હિન્દ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા બંને દેશો વચ્ચેનાં સંબંધોનો મહત્વનો હિસ્સો છે.


comments powered by Disqus