અમદાવાદઃ અમદાવાદની એક દિવસની મુલાકાતે આવેલા પૂર્વ વિદેશ અને નાણામંત્રી યશવંત સિન્હાએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાબતે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘હવે તો એવું લાગે છે કે જાણે બધું જ અમેરિકા નક્કી કરી રહ્યું હોય. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડડીલની જાહેરાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. ભારતની વિદેશનીતિ ગિરવે મુકાઈ હોય તેવું અગાઉ ક્યારેય જોયું નથી.
ભારત-અમેરિકા ટ્રેડડીલમાં હજુ ઘણી બાબતે ચોખવટ થઈ નથી, હજુ ટ્રેડડીલ માર્ચ મહિનામાં ફાઇનલ થશે, જેથી હાલ ટ્રેડડીલની ઉજવણીનો સમય નથી. યશવંત સિન્હાએ પત્રકાર પરિષદમાં મોદી સરકાર પર આરોપ મૂક્યો કે, ટ્રમ્પને કોઈ અધિકાર નથી કે તે ભારત પર વેનેઝુએલાથી તેલ ખરીદવા દબાણ કરી શકે. ભારત ઇચ્છે ત્યાંથી તેલ ખરીદી શકે છે. જો આવું થાય તો સમજી લેવું કે મોદી સરકાર ટ્રમ્પ સરકાર સામે ઝૂકી ગઈ.
બજેટ અંગે તેમણે કહ્યું, સરકારે જાહેર કરેલા આંકડા પર વિશ્વાસ કરવા જેવો નથી. બચત અને મૂડીરોકાણ ઘટ્યું છે. જનરલ નરવણેના પુસ્તકને લઈને તેમનું કહેવું હતું કે, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કેમ બોલવા દેવાતા નથી. ભારતને બાદ કરતાં અન્ય દેશોમાં તો નરવણેનું પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. નરવણેની પુસ્તકમાં ચોંકાવનારી વાતો છે જેના કારણે નરેન્દ્ર મોદીની નીતિ ખુલ્લી પડી છે.

