અમદાવાદઃ દેત્રોજમાં એસીબીએ ટ્રેપ ગોઠવીને તલાટી કમ મંત્રી અને તેના પટાવાળાને મકાન અને દુકાનની આકારણી કરવાના બદલામાં લાંચ લેતાં ઝડપી લીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રીએ જમીન, મકાન અને દુકાનની આકારણીના બદલે ચોક્કસ રકમ નક્કી કરી હતી. જો તે આપવામાં આવે તો આકારણીના નકારાત્મક રિપોર્ટ બનાવતા હતા. હાલ એસીબી દ્વારા આ અંગે તપાસ શરૂ કરાઈ છે.
દેત્રોજમાં રહેતી એક વ્યક્તિએ રહેણાક સોસાયટી બનાવી હતી, જેમાં 7 મકાન અને દુકાન હતાં. જે મકાન અને દુકાનની આકારણી કરવા ગ્રામપંચાયતમાં અરજી કરી હતી, પરંતુ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કેતન દરજિયા અને તેના પ્યૂન જયંતી ઠાકોરે મકાનના આકારણી વેરા પેટે રૂ. 1600 અને લાંચના રૂ. 1400 માગ્યા હતા. જેમાં 7 મકાન અને દુકાન હોવાથી રૂ. 21 હજારની રકમ થતી હતી. જે અંગે ફરિયાદ નોંધાવાતાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં તલાટી મંત્રી કેતન દરજિયા અને તેનો પ્યૂન રૂ. 9800ની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા.

