ગાંધીનગરઃ પ્રજા મોંઘવારીમાં પિસાઈ રહી છે, ત્યારે મહિને દોઢ લાખ જેટલો પગાર ભથ્થું મેળવતા ધારાસભ્યોના ભથ્થામાં વધારો કરવા વિચારણા કરાઈ રહી છે. જેમાં રેલવે અને હવાઈ મુસાફરી, મત વિસ્તાર ભથ્થું અને કાર્યાલય ખર્ચ વગેરેનું ભથ્થું વધારવાની વિચારણા થઈ રહી છે. આ માટે અન્ય રાજ્યોની વિધાનસભાની સુવિધા પણ ચકાસાઈ રહી છે. તે જોતાં આગામી સમયમાં ભથ્થાં વધારવાની દરખાસ્ત વિધાનસભામાં આવી શકે છે.
નાગરિકો એકતરફ અનાજ-કઠોળ, ઘી-તેલ, દૂધ અને શાકભાજીના ભાવમાં સતત થતા વધારાથી ત્રાહિમામ્ છે, ત્યારે જનતાના સેવકો ગણાતા ધારાસભ્યો આ ભાવમાં ઘટાડો કરવાની રજૂઆત સરકારમાં કરતા પણ હશે કે નહીં તે મોટો સવાલ છે. ધારાસભ્યોનાં ભથ્થાં અંગેના નિયમો માટેની સમિતિની બેઠક તાજેતરમાં વિધાનસભામાં મળી હતી, જેમાં ધારાસભ્યોને હાલ કેટલાં ભથ્થાં મળે છે અને ભવિષ્યમાં કેટલો વધારો કરી શકાય તેની ચર્ચા કરાઈ હતી. ધારાસભ્યોને હાલ પગાર ઉપરાંત વિવિધ ભથ્થાં સાથે રૂ. 1.52 લાખ મળે છે, છતાં રેલવેમાં મુસાફરી, હવાઈ મુસાફરી, મત વિસ્તાર ભથ્થું વગેરેમાં કેટલો વધારો થઈ શકે તે અંગે સમિતિએ મુદ્દો હાથ પર લીધો હતો.
હાલમાં મળતાં પગાર-ભથ્થાં-સુવિધા
• ધારાસભ્યોને ગાંધીનગરમાં માત્ર રૂ. 37ના ભાડામાં સંપૂર્ણ સુવિધા સાથેનો આલીશાન ફ્લેટ • મહિને મૂળ પગાર રૂ. 78,800 ઉપરાંત મોંઘવારી ભથ્થું રૂ. 41,764 • 22 મહિને ટેલિફોન ભથ્થું રૂ. 7000 • ટપાલ-સ્ટેશનરી રૂ. 5000 • અંગત મદદનીશ માટે રૂ. 20 હજાર • ધારાસભ્યો અને તેમના આધારિત પરિવારને નિઃશુલ્ક તબીબી સારવાર • વર્ષમાં ત્રણ વખત નિઃશુલ્ક હવાઇ મુસાફરી • રેલવેમાં ફર્સ્ટ કે સેકન્ડ એસીમાં પરિવારના 4 સભ્યો સાથે નિઃશુલ્ક મુસાફરી • કાર-બાઇકમાં પેટ્રોલ માટે કિલોમીટર દીઠ નિશ્વિત રકમ • રાહત દરે કેન્ટીનમાં ભોજન

