પાલનપુરઃ યાત્રાધામ અંબાજીમાં મુખ્ય મંદિર, ગબ્બર અને માનસરોવરને જોડતા ‘શક્તિ કોરિડોર’ના નિર્માણના પ્રથમ તબક્કાનાં રૂ. 950 કરોડના વિવિધ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે ખાતમુહૂર્ત કર્યું. જુદાજુદા ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટની કામગીરી કરાશે, જેમાં પ્રથમ તબક્કામાં રૂ. 950 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ, પાથવે, શક્તિપથ, શક્તિ કોરિડોર અને એમ્ફી થિયેટર સહિતની બહુવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવનાર છે. અંબાજી મંદિરનો ચાચર ચોક હવે ત્રણ ગણો મોટો બનશે. શક્તિ કોરિડોરમાં સિદ્ધપુરની પૌરાણિક વાસ્તુકલા પ્રમાણે મંદિરની કાયાકલ્પ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘અંબાજીમાં કુલ રૂ. 1632 કરોડના અંદાજિત ખર્ચે અંબાજી કોરિડોરનો આગામી 25 વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છેે. વડાપ્રધાને પવિત્ર તીર્થક્ષેત્ર સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈને દેશનાં યાત્રાધામોનું નવીનીકરણ ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્રથી સાકાર કર્યું છે. અંબાજી-તારંગા-રેલ પ્રોજેક્ટથી સરળ કનેક્ટિવિટી અને સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. અંબાજીમાં દરવર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે, તેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનનો લાભ લે છે. અંબાજીમાં ગબ્બર ખાતે દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે, તેમજ પરિક્રમા પથ અને સાંસ્કૃતિક વિલેજ જેવા પ્રકલ્પોથી યાત્રિકોને નવી સુવિધાઓ મળી રહી છે. અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટથી આ વિસ્તારની કનેક્ટિવિટી મજબૂત બનશે. તેના પરિણામે યાત્રાળુઓની સુવિધા વધશે અને સ્થાનિક આર્થિક વિકાસને ગતિ મળશે.’
ત્રણ તબક્કામાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંપન્ન થશે
અંબાજી મંદિર પ્રાંગણના ચાચરચોકથી વિષાયંત્રનાં દર્શન કરીને આશરે 2.5 કિ.મી.નો પગપાળા પ્રવાસ કરી સીધા ગબ્બર સુધી પહોંચી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, આદ્યશક્તિપીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, કેદારનાથ અને વૈજનાથ ધામ જેવાં પવિત્ર સ્થળોના વિકાસને નવી ઓળખ મળી છે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ અને પાવાગઢમાં 500 વર્ષ બાદ ધ્વજારોહણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર પડ્યું છે. આ માસ્ટર પ્લાનના પ્રથમ ફેઝમાં મલ્ટિ લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ પાથવે,. દિવ્ય દર્શન ચોક, એમ્ફી થિયેટર, લાઈટ એન્ડ સાઉન્ડ શો જેવી વિવિધ સુવિધાઓ તૈયાર કરાશે.

