સચિવાલયમાં યુવતીએ પોલીસની ગાડીથી ઉતરી સીનસપાટા કર્યા

Tuesday 10th February 2026 15:37 EST
 
 

ગાંધીનગરઃ સચિવાલયમાં પોલીસની ગાડીમાં ઉતરીને એક યુવતીએ સીનસપાટા કર્યા હતા. એટલું જ નહીં રીલ ઉતારીને વાઇરલ કરતાં ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. કેમ કે સચિવાલયની સુરક્ષાને લઈને સવાલો ઊઠ્યાા હતા. આ ઘટનાના સંદર્ભમાં ગાંધીનગર પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા. સાથેસાથે એક હોમગાર્ડને સસ્પેન્ડ કરી દેવાયો હતો.
સુરક્ષાને ધ્યાનમાં રાખી સચિવાલયમાં કોઇ પણ મુલાકાતીની સઘન તપાસ બાદ જ પ્રવેશ અપાય છે. જો કે બન્યું એવું કે, એક રીલ વાઇરલ થઈ હતી, જેમાં એ યુવતી પોલીસની ગાડીમાં બેસીને જૂના સચિવાલયથી નવા સચિવાલયમાં આવી હતી. આ ઉપરાંત એક હોમગાર્ડ પોલીસની ગાડીમાં યુવતીને સચિવાલયમાં મૂકવા આવ્યો હતો. સ્વર્ણિમ સંકુલ-1માં પોલીસની ગાડીમાંથી ઉતરી યુવતીએ સીનસપાટા કર્યા હતા. આ ઉપરાંત યુવતીએ મંત્રીઓ સાથે ફોટો પણ પડાવ્યા હતાં. એવી ચર્ચા છે કે, યુવતીએ પોલીસની ગાડીમાંથી ઉતરતાં કહ્યું કે, જો વિધાનસભાની ટિકિટ મળી જાય તો લાલબત્તી વાળી કારમાં જ ફરીશું.
આ રીલ વાઇરલ થતાં જ ગાંધીનગર પોલીસને તપાસમાં જણાયું કે, યુવતીનું નામ બિંદિયા સોમપુરા છે, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આ ઘટનાને લઈને ગાંધીનગર એસપીએ તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તબકક્કામાં ડ્રાઇવર હોમગાર્ડને સસ્પેન્ડ કરી દેવાયો છે. જાણવા મળ્યું છે કે, જિલ્લા કમાડન્ટની જાણ બહાર જ પોલીસની ગાડીનો ઉપયોગ કરાયો હતો.


comments powered by Disqus