નવી દિલ્હીઃ સિંધુ નદીનું પાણી બંધ કર્યા પછી ભારતે પાકિસ્તાનને વધુ એક ફટકો માર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર સાવલકોટ જળવિદ્યુત પરિયોજના પર ભારતે કામગીરી શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને રામબન જિલ્લામાં શરૂ કરાયો છે. ચિનાબ અને સિંધુ બેસિન પાકિસ્તાનની જીવનરેખા મનાય છે. આ મેગા પ્રોજેક્ટ પાછળ રૂ. 5129 કરોડનો ખર્ચ કરાશે. સિધુ જળસંધિ પર ઠંડું પાણી રેડ્યા બાદ મોદી સરકાર દ્વારા મંજૂરી અપાયેલો આ પહેલો જળ વિદ્યુત પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ માટે 5 ફેબ્રુઆરીએ ટેન્ડર અને ઇન્ટેન્ટ લેટર્સ મગાવાયા હતા. સાવલકોટ પ્રોજેક્ટને બે તબક્કામાં બનાવાશે, જેમાં પહેલા તબક્કામાં 1406 મેગાવોટ અને બીજા તબક્કામાં 450 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે.

