પોરબંદર: અમદાવાદ ખાતે ‘નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા’માં પોરબંદરના છાયામાં આવેલા મહેર રાસમંડળના યુવાનોએ ઢાલ, તલવાર રાસ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.
અમદાવાદના આકર્ષક અટલ બ્રિજ પર તાજેતરમાં નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા-2026 ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટૂરિઝમ તથા ઇવેન્ટ એક્સિપિરિયન્સના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં વિશ્વના 12 દેશોના 250થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં પોલેન્ડ, મેક્સિકો, ઇજિપ્ત, બલ્ગેરિયા, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, રોમેનિયા, તુર્કી, નેપાળ, કિર્ગીસ્તાન, સ્લોવેકિયા સહિત ભારતનાં વિવિધ રાજ્યોના કલાકારો સામેલ હતા. આ કાર્યક્રમમાં ભારત તરફથી ગુજરાતની લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ઢાલ-તલવાર નૃત્યકળાનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેર રાસમંડળ-છાયા (પોરબંદર) દ્વારા રજૂ કરાયેલા આ પ્રદર્શનનું નેતૃત્વ નિલેષ કે. પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું. મહેર સમાજની શૂરવીર પરંપરા, સાહસ અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી આ કલાએ દેશ-વિદેશના દર્શકોનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું. ફેસ્ટિવલ દરમિયાન વિવિધ દેશોની સાંસ્કૃતિક નૃત્ય, સંગીત અને લોકકળાઓની રંગબેરંગી રજૂઆતો કરાઈ, સાથે અટલબ્રિજ પર વંદે માતરમ્ની ગુંજ સાથે દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકો અને પ્રવાસીઓએ આ સાંસ્કૃતિક મહોત્સવને માણ્યો હતો. 28 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન ડાયરેક્ટર અંકુરભાઈ પડછાણ, રાજુભાઈ પટેલ અને રવિભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ આ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદ, હેરિટેજ સિટી તતા શહેરના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા-2026 ફેસ્ટિવલ દ્વારા ગુજરાત તથા ભારતની લોકસંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવામાં આવી, જેને તમામ દેશોના કલાકારો અને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી રહી છે.

