અમદાવાદઃ સર - (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીનો વિવાદ હજુ શાંત થયો નથી. ગુજરાતમાં ખોટા વાંધા લઈ મતદારોનાં નામ રદ કરવા ફોર્મ-7 ભરનારા સામે અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે, ત્યારે ઉનાના કોડીનારમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનમાં લાઇનો લાગી હતી. એક દિવસમાં 400 લોકોએ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
આ સ્થિતિમાં ગુજરાતમાં રાજ્ય ચૂંટણીપંચ શંકાના ઘેરામાં રહ્યું છે, કેમ કે ખોટાં નામ સહિત અન્ય વિગતો સાથે ફોર્મ-7 ભરીને મતદારોની જાણ બહાર નામ રદ કરવાની પેરવી ચાલી રહી છે. એટલી હદે લોલંલોલ ચાલી રહ્યું છે કે, એક-એક ભાજપ કાર્યકરે 200થી વધુ ફોર્મ-4 ભર્યાં છે, તેવા આક્ષેપ છતાં ચૂંટણીપંચ એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી.
ખરેખર તો, કેન્દ્રીય ચૂંટણીપંચે ખાસ તાકીદ કરી છે કે, કોઈપણ વ્યક્તિ ખોટી વિગત સાથે ફોર્મ-7 ભરશે તો ત્રણ મહિનાની જેલ અને રૂ. 1 લાખના દંડની જોગવાઈ છે. આ મુદ્દે પ્રચાર પ્રસાર કરવા જણાવાયું હોવા છતાં રાજ્ય ચૂંટણીપંચે સક્રિયતા દર્શાવી નથી. અમદાવાદમાં શાહપુર, ઈસનપુર, કારંજ સહિત અન્ય વિસ્તારોમાં ખોટાં ફોર્મ-7ને લઇને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

