વાપીઃ ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ છેડાયું છે, ત્યારે ઉમરગામના મરોલી ગામના 25 માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયા છે. આ યુવાનો સાથે સંપર્ક ન થવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે. પરિવારે ઇરાન માછીમારી કરવા ગયેલા લોકોને હેમખેમ ભારત પરત લાવવા સરકારને સહયોગની અપીલ કરી છે.
ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર વલસાડના ઉમરગામના દરિયાકિનારે આવેલા મરોલી ગામના અનેક પરિવારોને થઈ રહી છે, કારણ કે આ ગામના 25 થી વધુ યુવાનો માછીમારી કરવા ઈરાનના કિસ્ટ ટાપુ પર ગયા હતા. જો કે યુદ્ધના માહોલ વચ્ચે પરિવારજનોનો સંપર્ક તૂટી ગયો છે. મરોલી ગામે રહેતી મહિલાઓએ જણાવ્યું કે, ઇરાનમાં યુદ્ધના માહોલને કારણે અમારી ચિંતા વધી ગઈ છે.
માછીમારી કરવા ગયેલા પરિવારના સભ્ય સાથે હાલમાં કોઈ સંપર્ક થતો નથી. માછીમારો યુદ્ધને કારણે કિસ્ટ ટાપુથી અન્યત્ર દરિયામાં જીવ બચાવવા જતા રહ્યા છે.
