દીવ: અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે ઓમાનના દરિયાઈ વિસ્તારમાં એક ઓઈલ ટેન્કર પર થયેલા ભીષણ મિસાઈલ હુમલામાં 25 વર્ષીય ભારતીય યુવાન દીક્ષિત સોલંકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિસાઈલ એટેક થયો તે સમયે યુવાન જહાજના એન્જિન રૂમમાં રીડિંગ લઈ રહ્યો હતો.
આ અંગે વિગતો આપતા યુવકના સંબંધીઓએ જણાવ્યું હતું કે, ઓમાનના પોર્ટ સુલ્તાન કાબૂસ નજીક સમુદ્રમાં 'MT સ્કાય લાઈટ' નામના ઓઈલ ટેન્કર પર અચાનક મિસાઈલ મારો કરાયો હતો. આ જહાજ પર કુલ 21 કૂ મેમ્બરો સવાર હતા, જેમાં 19 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યુક્રેની નાગરિકનો સમાવેશ થાય છે. હુમલો થયો તે સમયે દીક્ષિત જહાજના એન્જિન રૂમમાં ફરજ પર હતો. મિસાઈલ અથડાતાની સાથે જ એન્જિન રૂમમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી હતી, જેમાં ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું હતું.
જાણકારી મુજબ, હુમલા બાદ તાત્કાલિક અન્ય જહાજ 'MV SAND' દ્વારા રેસ્ક્યુૂ ઓપરેશન હાથ ધરીને અન્ય 20 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
મૃતક દીક્ષિત સોલંકી મૂળ દીવના ભાવસારવાડાનો રહેવાસી હતો, પરંતુ તેનો પરિવાર હાલ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં સ્થાયી થયો છે. તે અપરિણીત હતો અને હજુમાત્ર એક મહિના પહેલાં જ તેની માતાનું અવસાન થયું હતું. માતાના નિધનના આઘાતમાંથી પરિવાર બહાર આવે તે પહેલાં જ જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

