નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ફસાયેલા ભારતીયો અને ઊર્જા સંકટ પર વિપક્ષના હોબાળા વચ્ચે વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે નિવેદન કર્યું. તેમણે કહ્યું કે, સરકાર આ ક્ષેત્રમાં વધતા તણાવ બાબતે ઘણી ગંભીર છે. ભારતે 20 ફેબુઆરીએ જ એક નિવેદન બહાર પાડીને પોતાની ચિંતા પ્રગટ કરી બધા પક્ષોને સંયમથી વર્તવાની અપીલ કરી હતી.
વિદેશમંત્રીએ કહ્યું કે, આ વિવાદ ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. ખાડી દેશોમાં લગભગ એક કરોડ ભારતીય રહે છે. ઈરાનમાં પણ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ છે. જેમની સુરક્ષા માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે.
તહેરાનમાં ભારતીય દૂતાવાસ એલર્ટ
ભારતીયોની સુરક્ષા વિશે જયશંકરે કહ્યું કે તહેરાનમાં ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં મદદ કરી રહ્યું છે. ઇરાનમાં રહેલા વેપારીઓને આર્મેનિયાના રસ્તે ભારત પાછા આવવામાં સહાય કરાઈ છે. તહેરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણ સક્રિય અને હાઇએલર્ટ પર છે. અત્યાર સુધી 76 હજાર ભારતીય નાગરિકો પાછા આવવા માટે આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી ચૂક્યા છે.
52 હજાર ભારતીયો બહાર આવ્યા
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સમગ્ર ક્ષેત્રમાં હવાઈક્ષેત્ર આંશિક રીતે ખૂલ્યા પછી 52 હજાર કરતાં વધારે ભારતીય પરત ફર્યા છે. મંત્રાલયે ક્ષેત્રના બધા ભારતીયોને સ્થાનિક અધિકારીઓના દિશાનિર્દેશો અને ભારતીય મિશનો દ્વારા જાહેર કરાયેલી સલાહોનું પાલન કરવાની વિનંતી કરી છે. મંત્રાલયે કહ્યું કે વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતે ભારતીયોની સહાય માટે 24 કલાકની હેલ્પલાઇન સ્થાપી છે.

