અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર સોમવારે અબુધાબીથી ઈતિહાદ એરવેઝની EY-246 અને અમિરાતની દુબઈથી EK-538 નંબરની ફ્લાઇટ ઇરાન યુદ્ધના કારણે ગલ્ફ દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. ફસાયેલા ગુજરાતીઓને લઈને વધુ બે ફ્લાઇટો અમદાવાદ લેન્ડ થતાં જ વતન પરત આવેલા ગુજરાતીઓના જીવમાં જીવ આવ્યો હતો. જ્યારે તેમને એરપોર્ટ પર રિસીવ કરવા આવેલા પરિવારજનો તેમને ભેટીને લાગણીસભર બની ગયા હતા.
યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ગલ્ફ દેશોથી ભારતીયોને સલામત કાઢી વતન પરત લાવવાની કામગીરી એક મિશનના રૂપમાં ચાલી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી રોજની બે ફ્લાઇટ અમદાવાદ આવી રહી છે. ગલ્ફ દેશો અને અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ વચ્ચેની હવાઈસેવા હજુ પૂર્વવત્ થઈ નથી, તેને સમય લાગી શકે છે. સોમવારે પણ દોહા, જેદ્દાહ, કુવૈત, અબુધાબી, દુબઈ આવતી-જતી 12 ફ્લાઇટ રદ રહી હતી.

