દૂધ ઉત્પાદક દેરાણી-જેઠાણીની સિદ્ધિઃ વર્ષે રૂ. 65 લાખની આવકનો સ્રોત

Wednesday 11th March 2026 05:59 EDT
 
 

નવી દિલ્હીઃ પશુપાલન વ્યવસાય થકી દૂધ ઉત્પાદનમાં માણસા તાલુકાના દેલવાડા ગામનાં દેરાણી-જેઠાણી ભાવનાબહેન પટેલ અને હંસાબહેન પટેલ ઉજ્જવળ સિદ્ધિ ધરાવે છે. તેમના ગાયોના તબેલામાં રોજ અંદાજે 250 લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને વર્ષે રૂ. 65 લાખની આવક રળે છે. તેમાં ભાવનાબહેનની વાર્ષિક આવક રૂ. 48 લાખ અને હંસાબહેનની વાર્ષિક આવક રૂ. 17 લાખ છે.
ગાંધીનગરનો માણસા તાલુકો પશુપાલન ક્ષેત્રે અગ્રેસર છે. ગ્રામ્ય પંથકના મોટાભાગના ખેડૂત પરિવારો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અઢળક આવક મેળવે છે. ગાય-ભેંસના તબેલાનું સંચાલન મહિલાઓના હાથમાં છે. મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને તમામ સભ્યો પણ મહિલા હોય છે. માણસા તાલુકામાં મહિલાઓ દ્વારા સંચાલિત 4 દૂધમંડળી સહિત તાલુકામાં કુલ 62 દૂધ સહકારી મંડળીઓ છે.
દેલવાડાનાં ભાવનાબહેન પટેલ પાસે હાલ 35 ગાય છે અને રોજ 150 લિટર દૂધ ઉત્પાદન મેળવે છે. આ વ્યવસાય થકી ભાવનાબહેનની વાર્ષિક આવક રૂ. 48 લાખ છે. તેઓ માણસામાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભાવનાબહેનનાં દેરાણી હંસાબહેન પણ ગાયનો તબેલો ધરાવે છે. અગાઉ તેમની પાસે 100થી વધુ ગાયો હતી, ત્યારે તેઓ વર્ષે રૂ. 73 લાખની આવક મેળવતાં હતાં અને 2022માં તેમને શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભાવનાબહેને જણાવ્યું કે ખેડૂત હોવાથી ખેતી કર્યા વગર છૂટકો નથી, પરંતુ ખેતીની આવક નિશ્ચિત નથી હોતી. જેથી અમે વિચાર્યું કે પશુપાલનનો વ્યવસાય કરીએ તો નિયમિત આવક તો થાય.


comments powered by Disqus