પટનાઃ બિહારમાં સત્તા પરિવર્તન નિશ્ચિત છે. બિહારના સીએમ નીતિશ કુમારે ગુરુવારે રાજ્યસભા માટેનું ફોર્મ ભરતાં હવે ત્યાં તખ્તાપલટ માટે રાજકીય હિલચાલ તેજ બની છે. ભાજપ અને જેડીયુની ફોર્મ્યુલા મુજબ બિહારના મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારના રાજીનામા સાથે જ હવે ભાજપના હાથમાં સત્તાનું સુકાન આવ્યું છે. નવા સીએમ ભાજપથી નિયુક્ત કરાશે. ભાજપના નવા મુખ્યમંત્રી તરીકે હાલ સમ્રાટ ચૌધરીનું નામ આગળ છે પણ અન્ય 5 ઉમેદવાર મેદાનમાં છે.
ભાજપની પેટર્ન મુજબ સીએમ પદ માટે કોઈ નવો ચહેરો RSSથી પણ હોઈ શકે છે. નીતિશના રાજીનામાની સામે તેમના પુત્ર નિશાંત કુમારને ડેપ્યુટી સીએમ બનાવાઈ શકે છે. આ ઉપરાંત જેડીયુથી વધુ એક ધારાસભ્યને નાયબ મુખ્યમંત્રી બનાવાઈ શકે છે. પટનામાં રાજકીય હલચલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નીતિશ કુમારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, નીતિશકુમારનો કાર્યકાળ સ્વર્ણિમ રહ્યો હતો. બિહાર એવું એકમાત્ર રાજ્ય છે, જેને પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી મળશે.
નિશાંત ડેપ્યુટી સીએમ બની શકે છે
નીતીશ કુમારના નજીકના સહયોગીનો દાવો છે કે પિતાના રાજીનામા બાદ બનનારી નવી સરકારમાં નિશાંતને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. નીતીશ કુમારે ગુરુવારે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે.
અમિત શાહે શું કહ્યું?
શાહે કહ્યું કે, નીતિશકુમારનો કાર્યકાળ સ્વર્ણિમ રહ્યો છે. છેલ્લા બે દાયકાથી બિહારની જનતાનાં કલ્યાણ માટે નીતિશ કુમારની પ્રતિબદ્ધતા અને સમર્પિત નેતૃત્વએ રાજ્યને જંગલરાજથી મુક્ત કરી રાજ્યનો વિકાસ કર્યો છે.

