બોટાદઃ માર્કેટિંગ યાર્ડ (APMC) જીરુની મબલખ આવકથી ઊભરાઈ રહ્યું છે. હાલમાં જીરુના પ્રતિમણ રૂ. 3500થી 4500 સુધીના સારા ભાવ મળતાં ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં જીરુના ઢગલા જોવા મળી રહ્યા છે.
સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં બોટાદ APMCમાં અંદાજે 15 હજાર મણથી વધુ જીરુની આવક થઈ ચૂકી છે. સારા ભાવ મળવાને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનું જીરુ વેચવા માટે યાર્ડમાં પહોંચી રહ્યા છે, જેના પરિણામે આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ વર્ષે બોટાદ જિલ્લામાં અંદાજે 6989 હેક્ટર જમીનમાં જીરુનું વાવેતર થયું છે. બોટાદ APMCમાં માત્ર બોટાદ જિલ્લાના જ નહીં, પરંતુ આસપાસના અન્ય ત્રણ જિલ્લાના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા આવે છે. બોટાદ APMCના ચેરમેન મનહરભાઈ માતરિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જીરુની આવકમાં વધુ વધારો થવાની શક્યતા છે.

