ભરૂચની જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ પૂજા કરતાં હોબાળો

Tuesday 10th March 2026 05:59 EDT
 
 

ભરૂચઃ ઐતિહાસિક જામા મસ્જિદમાં 3 માર્ચે કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ ઘટનાને કારણે શહેરમાં તણાવનું વાતાવરણ સર્જાયું અને મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
વાઇરલ વીડિયોમાં મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરતી જોવા મળે છે. આ કૃત્ય સામે મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. ભરૂચ શહેરની મધ્યમાં આવેલી જામા મસ્જિદ હાલમાં પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. જો કે સંત સમાજ દાવો કરે છે કે, આ સ્થળ મૂળ ‘સમળી વિહાર’ જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
ઘટનાના વિરોધમાં જામા મસ્જિદ ખાતે ટ્રસ્ટીઓ અને મુસ્લિમ આગેવાનો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું કે આ સ્થળ ઇસ્લામિક ધાર્મિક પરંપરાઓ મુજબ સંચાલિત થાય છે, તેથી અન્ય ધાર્મિક ક્રિયાઓ યોગ્ય નથી અને ધાર્મિક સ્થળની પરંપરાનું પાલન થવું જોઈએ.
બીજી તરફ સંત સમાજ તેમના દાવાને પુનરાવર્તિત કરી રહ્યો છે કે આ સ્થળ જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું. આ મુદ્દે અગાઉ સંત સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન પણ કરાયું હતું. મસ્જિદ પુરાતત્ત્વ વિભાગ હેઠળ હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદરેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો પણ ભૂતકાળમાં થયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે શહેરમાં વિવિધ વર્ગોમાં ચર્ચા શરૂ થઈ છે. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે.


comments powered by Disqus