નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું સંકટ હાલ પૂરતું સમાપ્ત થઈ ગયું છે, કારણ કે ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ મળી ગઈ છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીને 30 દિવસનું સ્પેશિયલ લાઇસન્સ આપવાની જાહેરાત કરી છે. આ લાઇસન્સ 3 એપ્રિલ સુધી માન્ય રહેશે.અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે જાહેરાત કરી કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઊર્જા એજન્ડા હેઠળ આ અસ્થાયી પગલું ભરાયું છે. વૈશ્વિક બજારમાં ઓઇલના પુરવઠાને સ્થિર રાખવા આ છૂટ અપાઈ છે.
રશિયા 95 લાખ બેરલ ઓઈલ આપશે
મધ્ય-પૂર્વમાં તણાવ વધતા હોર્મુઝ ખાડીમાંથી ક્રૂડના આવવાનો રસ્તો બંધ થયો છે. આના કારણે ભારત આવતો ક્રૂડ ઓઇલનો પુરવઠો રુંધાયો છે. આ સમયે દર વખતની જેમ રશિયા ભારતની કટોકટીના સમયનું સાથી બનવા તૈયાર છે. હાલમાં ભારતીય જળક્ષેત્રમાં લગભગ 95 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હાજર છે, જેને ભારત તરફ વાળી દેવાયું છે.
ઇરાન-ઈઝરાયલ યુદ્ધ જો વધશે તો ભારતમાં રસોઈ ગેસની અછત પણ વધશે. આ સ્થિતિને જોતાં સરકારે ઇમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીને એલપીજીનું ઉત્પાદન વધારવા આદેશ આપ્યો છે.

