મહેસાણાઃ શહેરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઇનરવ્હીલ ક્લબ ઓફ મહેસાણા અને રોટરી ક્લબ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ફક્ત મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા સંચાલિત રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ અનોખા કેમ્પમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ 411 બોટલ રક્ત એકત્ર કરાયું હતું.
આ અભૂતપૂર્વ આયોજનને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. નોંધનીય બાબત એ છે કે, આ પ્રકારનું આયોજન આખા ભારત તેમજ એશિયા સ્તરે પ્રથમવાર કરાયું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સ્વયંપ્રેરિત થઈ રક્તદાન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિલાઓ દ્વારા સંચાલિત આ કેમ્પમાં આયોજન, વ્યવસ્યા અને સંચાલન ક્ષેત્રે મહિલાઓની સક્રિય ભૂમિકા રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાત્રીઓને સન્માનિત કરી તેમની સેવા બિરદાવતાં જણાવ્યું, રક્તદાન માનવતા માટેનું સૌથી મહાન દાન છે અને આવી પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણાદાયી છે.

