માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન

Wednesday 11th March 2026 05:59 EDT
 
માધવપુરમાં શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહની કંકોત્રી લખાઈપોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીના વિવાહ પ્રસંગે મોરપિંચ્છથી લગ્ન કંકોત્રી લખવામાં આવી હતી. માધવપુરમાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણના નિજમંદિરેથી ભગવાનને વરણાંગીમાં બિરાજમાન કરી, કીર્તનકારો સાથે વાજતેગાજતે ઢોલ-શરણાઈના સૂર સાથે મુખ્ય બજારથી પસાર થઈ મધુવનમાં આવેલા રુક્મિણીજીના પિયર લઈ જવાયા હતા. અહીં પરંપરા મુજબ મોરપિંચ્છથી ભગવાન શ્રીકૃષ્ણની લગ્નની કંકોત્રી લખવામાં આવી હતી.
 

પોરબંદરઃ માધવપુરમાં ભગવાન માધવરાયજી અને રુક્મિણીજીના વિવાહનો ઉત્સવ શરૂ થઈ ગયો છે. ‘માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન, પરણે રાણી રુક્મિણી અને વર દુલ્હો ભગવાન’ પંક્તિઓ સાથે આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરાયું છે.
રુક્મિણી મંદિરના મહંત સુધીરભાઈ નિમાવતે માહિતી જણાવ્યું કે, આ પરંપરાગત ઉત્સવમાં માધવરાયજી મંદિરેથી ભગવાન ચોરીમંડપે પધારે છે, જ્યાં ફૂલડોલોત્સવ ઊજવાય છે. ત્યારબાદ ભગવાન રુક્મિણીજીનાં સાંનિધ્યમાં બિરાજમાન થાય છે. જગતગુરુ રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં વિધિવત્ 25 વાનાનાં લગ્ન લખાય છે. ચૈત્ર સુદ નોમથી મેળાનો વિધિવત્ પ્રારંભ થાય છે અને મંદિર પર ધજા ચડાવાય છે.
નોમ, દશમ અને અગિયારસ એમ ત્રણ દિવસ સુધી ભગવાનના ભવ્ય ફુલેકાં કાઢવામાં આવે છે.
બારસના દિવસે ગોધુલી સમયે ભગવાનની જાન મધુવનમાં પ્રવેશ કરે છે, જે લગ્નસમારોહનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. લગ્નવિધિ દરમિયાન મંત્રોચ્ચાર સાથે મંડપમાં ‘કન્યા પધરાવો સાવધાન’ના નાદ સાથે રુક્મિણીજીને પાલખીમાં બિરાજમાન કરી મંડપમાં લવાય છે. અહીં ભગવાન માધવરાયજી અને રુક્મિણીજી શાસ્ત્રોક્ત વિધિ મુજબ સપ્તપદીના સાત ફેરા ફરે છે. આ ભવ્ય લગ્નોત્સવમાં ભાગ લેવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


comments powered by Disqus