ડેસરઃ ઇરાનમાં ખામેનેઇની હત્યા બાદ ઇરાને ઇઝરાયલની સાથે 9 દેશો પર હુમલો કરતાં સાઉદી અરબના રિયાધમાં વડોદરા જિલ્લાથી રોજીરોટી માટે ગયેલા યુવાનોના જીવ તાળવે ચોંટ્યા છે. તેઓની સાથેસાથે અહીં રહેતા તેમના પરિજનો પણ ચિંતાતુર બન્યા છે.
ગુજરાતથી સંખ્યાબંધ યુવાનો સાઉદી અરબમાં નાનીમોટી નોકરી કરવા ગયા છે. તેમાં વડોદરા જિલ્લાના 150થી વધુ યુવાનો હાલ સાઉદી અરબમાં નોકરી કરે છે. જ્યારે બાલાસિનોર, પેટલાદ, ખંભાત, બોરસદથી અંદાજે 3 હજાર કરતાં વધુ યુવાનો સાઉદી અરબ ગયા છે. રિયાધની કંપનીમાં ફરજ બજાવતા ડેસરના ફરીદભાઈ દીવાને વીડિયોકોલ પર કહ્યું હતું કે, હાલ અમે ફરજ પર જ છીએ, પરંતુ 24 કલાક અમારા મનમાં એવો જ ડર રહે છે કે ‘હમણાં મિસાઇલ પડશે, કંઈક થશે.’ આ વિચારે રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. આગળનું વધુ વિચારીએ છીએ તો પરિવારની ખૂબ જ ચિંતા થાય છે. ભારતની ફ્લાઇટ શરૂ થતાં જ નોકરી છોડીને ઘરભેગા થવાની તૈયારી મોટાભાગના ગુજરાતીઓ કરીને જ બેઠા છે.
