ભુજઃ એલએનએમ લાયન્સ હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબ ઓફ માધાપરના નેતૃત્વ હેઠળ સ્વ. મનજી લધા ભુડિયા, સ્વ. રામબાઈ મનજી ભુડિયા અને સ્વ. હીરજી મનજી ભુડિયાના આત્મશ્રેયાર્થે વેલુબહેન હીરજી ભુડિયા પરિવાર (માધાપર-યુકે)તરફથી ડાયાલિસીસ મશીન માટે રૂ. 7,50,000નું દાન આપવામાં આવ્યું. આ અંતર્ગત યોજાયેલા લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં દાતા પરિવાર તરફથી આગામી સમયમાં આંખના દર્દીઓ માટે નિઃશુલ્ક મેગા ઓપરેશન કેમ્પ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરાઈ હતી.
કાર્યક્રમના પ્રારંભે દાતા પરિવારના વેલુબહેન હીરજી ભુડિયા, શાંતિભાઈ સિયાણી અને અન્યોનું સન્માનપત્ર અને સ્મૃતિચિહન આપી સન્માન કરાયું હતું. આ નિમિત્તે રતનબહેન શાંતિભાઈ સિયાણી, માનુબહેન મૂરજી હીરાણી, પ્રકાશ મૂરજી હીરાણી, વાલુબહેન માવજી રૂડા, જસુબહેન હરીશ વરસાણી, રાધાબહેન દબાસિયા, દેવજીભાઈ ગાંગજી દબાસિયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
એમજેએફ ડો. ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી ફ્રી કિડની ડાયાલિસીસ, આંખના મોતિયાનાં ઓપરેશન, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયોમેટ્રી ડિપાર્ટમેન્ટ, જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, એમ્બુલન્સ વગેરે સેવાકીય પ્રવૃત્તિથી માહિતગાર કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસીસ કરાવતા દર્દીઓના પરિવાર વતી દાતાનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લાં 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને નિઃશુલ્ક ડાયાલિસીસની સેવા આપી રહી છે. અત્યાર સુધી 2,21,000થી વધુ ફ્રી ડાયાલિસીસ અહીં પૂર્ણ કરાયાં છે.

