યુદ્ધના કારણે ગુજરાતના ઉદ્યોગોની કફોડી હાલત

Wednesday 11th March 2026 06:00 EDT
 
 

વડોદરાઃ અખાતી યુદ્ધના પગલે મધ્ય ગુજરાતથી પશ્ચિમ એશિયાઈ દેશોમાં હાલ ભરૂચ, અમદાવાદ, રાજકોટ અને મોરબીથી નિકાસ થંભી ગઈ છે, જેના કારણે ફાર્મા સેક્ટરથી નિકાસને જ નહીં, કાચા માલની આયાત પર પણ બ્રેક વાગી છે. ફાર્મા નિકાસમાં વડોદરા, હાલોલ, ભરૂચ, પાદરા, સાવલી, દહેજ, પાનોલી, અંકલેશ્વર તથા અમદાવાદનાં એકમોનો મહત્ત્વનો ફાળો છે. એક તરફ યુદ્ધની સ્થિતિના કારણે શિપિંગ ખર્ચમાં વધારો અને બીજી તરફ કાર્ગોના વિલંબની સ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાન જેવા દેશોએ તો ભારતને વિનંતી કરી છે કે, તેમને દવાની ખાસ જરૂર છે, ત્યારે ભારતે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા દવાનો જથ્થો મોકલવો જોઈએ.
કેમિકલ, ઓટો, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રભાવિત
માલસામાનની નિકાસને ફટકો પડતાં કંડલા, હજીરા, જેએનપીટી, મુંદ્રા પોર્ટ પર નિકાસનાં કન્ટેનર્સ અટવાઈ ગયાં છે. બીજી તરફ પોર્ટનું ભાડું પણ ચઢી રહ્યું છે. જ્યારે આયાતી કાચો માલ પણ હાલની સ્થિતિમાં વિલંબથી આવે તેમ જણાવાય છે. આ સંજોગોમાં ઉદ્યોગોની હાલત કફોડી બની છે. યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, મસ્કત, દુબઈ, ઇરાન, ઇઝરાયલ સહિતના દેશોના નિકાસ ઓર્ડર હાલ થંભી ગયા છે. આ સ્થિતિમાં ગુજરાતનાં એકમોએ સ્થાનિક ઓર્ડર મુજબ ઉત્પાદન શરૂ કર્યું છે.
એલપીજી અને ગેસ પુરવઠાને અસર
ઉદ્યોગોને હવે એલપીજી અને ગેસના પુરવઠા પર નિયમનનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં ઉત્પાદન પ્રક્રિયાને પણ અસર પડી રહી છે. બીજી તરફ વૈકલ્પિક માર્ગો પણ શોધાઈ રહ્યા છે. બીજી તરફ પ્રોસેસ લાઇનમાં પણ ફેરફારની ફરજ પડી છે. કેમિકલ, ફાર્મા, સિરામિક સહિતનાં એકમોની પ્રોડક્શન લાઇન ચાલુ રાખવા માટે એલપીજી, એલએનજી જરૂરી છે.
મોરબી સિરામિક ઉદ્યોગમાં શટડાઉનની વિચારણા
મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસની કટોકટીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્ત્વપૂર્ણ વિચારણા કરાઈ છે, જેમાં પ્રોપેન વાપરતા ઉદ્યોગો 10 માર્ચથી અને ગુજરાત ગેસ વાપરતા ઉદ્યોગો 15 માર્ચથી એક મહિનાનું શટડાઉનના નિર્ણય માટે તમામ સભ્યો પાસેથી અભિપ્રાય મગાયો હતો. આ જનરલ મીટિંગની ચર્ચાના અંતે 97 ટકા યુનિટોએ પ્રોડક્શન બંધ રાખવાની તરફેણમાં બહુમતી આપી હતી. આ સર્વસંમતિના આધારે પ્રોપેન ગેસ વાપરતાં યુનિટો અને ગુજરાત ગેસ વાપરતાં યુનિટો માટે અલગ-અલગ તબક્કે એક મહિના માટે ઉત્પાદન કાર્ય સંપૂર્ણપણે બંધ પ્રોડકશન બંધ રાખશે. આ નિર્ણય પહેલાં જ ઉદ્યોગોને મળતો પ્રોપેન ગેસ બંધ થઈ જતાં અને ગુજરાત ગેસ પણ 50 ટકા કાપ સાથે અપાતાં અંદાજે 100 ફેક્ટરીએ શટડાઉન લાગુ પણ કરી દીધું હતું.
અંકલેશ્વરને પણ મોટી અસર
મધ્ય-પૂર્વમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વણસેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર હવે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર પર પડી રહી છે. ખાડી દેશોમાં સર્જાયેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો છે, જે ઉત્પાદન અને પરિવહન ખર્ચમાં વધારો કરી શકે છે.
બટાકાંના વેપારને યુદ્ધનો ફટકો
વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધની માઠી અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર જોવા મળી રહી છે. દહેગામ તાલુકાના રખિયાલ હાઈવે પાસે ખાનપુર વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજથી નિકાસ માટે રવાના કરાયેલા બટાકાંનાં આશરે 300 કન્ટેનર પરત ફરતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દહેગામ તથા આસપાસના વિસ્તારોમાં બટાકાંની ખેતી અને કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ મોટાપાયે વિકસેલો છે. દરવર્ષે અહીંથી મોટા પ્રમાણમાં બટાકાં વિદેશોમાં નિકાસ થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે વેપારીઓ તેમજ ખેડૂતો બંનેમાં ચિંતા વ્યાપી ગઈ છે.
4 લાખ ટન બાસમતી ચોખા અટવાયાં
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં જોખમના કારણે જહાજોની અવરજવર પર અસર પડી છે, જેનો સીધો ફટકો ભારતના બાસમતી ચોખાના નિકાસકારોને લાગ્યો છે, લાખો ટન ચોખા ટ્રાન્ઝિટમાં તથા પોર્ટ પર ફસાઈ ગયા છે. ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ સતી ગોયલના જણાવ્યા અનુસાર અંદાજે 2 લાખ ટન બાસમતી ચોખા ટ્રાન્ઝિટમાં ફસાયા છે, જ્યારે લગભગ અન્ય 2 લાખ ટન ચોખા ભારતનાં વિવિધ પોર્ટ પર અટકી પડ્યા છે.


comments powered by Disqus