રાજ્યસભાની 37 પૈકી 26 બેઠકો પર બિનહરીફ પસંદગી, 11 પર મતદાન થશે

Wednesday 11th March 2026 06:44 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના 10 રાજ્યોમાં રાજ્યસભાની કુલ 37 બેઠકો પર 16 માર્ચના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે, ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ સોમવારે હતી જેમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું, હવે 10માંથી 7 રાજ્યોની 26 રાજ્યસભા સીટો પર કોઇ જ વિરોધ વગર સભ્યની પસંદગી કરવામાં આવશે. જ્યારે 3 રાજ્યોની 11 બેઠકો પર મતદાન થઈ શકે છે. એટલે કે આ બેઠકો પર સત્તાપક્ષ અને વિપક્ષના ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.
જે રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો પર મતદાન થવાનું છે તેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાંથી હરિયાણા, બિહાર, ઓડિશામાં નિશ્ચિત બેઠકો કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં છે. બિહારમાં કોઈપણ ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત નથી લીધું, જેને પગલે 12 વર્ષ બાદ રાજ્યસભા માટે બિહારમાં ચૂંટણી યોજાશે.
એનડીએ સમર્થક પાંચમા ઉમેદવાર તેમજ આરએલએમના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા તેમજ રાજદના ઉમેદવાર અમરેન્દ્ર ધારીસિંહ વચ્ચે ટક્કર જોવા મળી. કેટલાક રાજ્યોમાં ઉમેદવારોને બિનહરીફ જ રાજ્યસભાના સભ્ય જાહેર કરાઈ રહ્યા છે, જેમ કે હિમાચલપ્રદેશથી કોંગ્રેસ નેતા રાજ્યસભા અનુરાગ શર્માને મોકલવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણાથી વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવીને પણ રાજ્યસભામાં મોકલાયા છે. છત્તીસગઢથી કોંગ્રેસના ફુલોદેવી નેતમ જ્યારે ભાજપનાં લક્ષ્મી વર્મા બંને રાજ્યસભામાં પહોંચ્યાં છે. બંને મહિલા ઉમેદવાર વિરોધ વગર ચુંટાયાં હતાં. હાલની સ્થિતિ મુજબ 3 રાજ્યમાં 11 બેઠકો પર મતદાન યોજવામાં આવી શકે છે.


comments powered by Disqus