રાસાયણિક ખેતીથી જળ, જમીન અને સ્વાસ્થ્ય જોખમાયાં: રાજ્યપાલ

Wednesday 11th March 2026 05:59 EDT
 
 

ભુજઃ હાલના સમયમાં જ્યારે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જરૂરિયાત બની છે, ત્યારે ખેડૂતોને યોગ્ય અને સચોટ માર્ગદર્શન મળી રહે તેવા ઉદેશ્યથી પ્રકાશિત પુસ્તક ‘આવો એક નવી ક્રાંતિનો પ્રારંભ કરીએ... પ્રાકૃતિક ખેતી કરીએ’નું વિમોચન લોકભવન ગાંધીનગર ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવ્યું. મૂળ મોટા આસોટા, દેવભૂમિ દ્વારકાના વતની અને હાલ શ્રીરામ કૃષ્ણ ટ્રસ્ટ કુકમા ખાતે જનરલ મેનેજર ડો. વિરાભાઈ બી. ચાવડા દ્વારા લિખિત પુસ્તકના વિમોચન પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે, ‘રાસાયણિક ખેતીને કારણે જળ, જમીન અને સ્વાસ્થ્ય ત્રણેય જોખમાયાં છે. આવા સમયે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે અનિવાર્ય છે.’
રાજ્યપાલે લેખકના આ પ્રયાસને બિરદાવતાં કહ્યું હતું કે, સાહિત્ય દ્વારા કૃષિક્રાંતિ લાવવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. આ અવસરે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના કુલપતિ ડો. સી.કે. ટિંબડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. ચાવડાએ ગાય આધારિત પ્રાકૃતિક વિષયમાં વિશેષ એવી ડોક્ટરેટની પદવી પણ મેળવી છે અને તેઓ આ વિષયને લઈને વ્યાખ્યાનો પણ આપી ચૂક્યા છે. હાલમાં તેઓ શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ ખાતે આ વિષયને આગળ વધારી રહ્યા છે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનોજભાઈ સોલંકીએ પણ આ પુસ્તક ખેડૂતોને ખૂબ ઉપયોગી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus