રાહુલે જેમને ‘લગ્નના ઘોડા’ કહ્યાા હતા, તેમને જ ગુજરાત ચૂંટણીની કમાન સોંપાઈ

Wednesday 11th March 2026 06:00 EDT
 
 

ગાંધીનગરઃ અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના જૂના નેતાઓને ‘લગ્નના ઘોડા’ તરીકે નવાજ્યા હતા. ચૂંટણીઓમાં પરિણામ આપવામાં નિષ્ફળ ગયેલા આવા નેતાઓને દૂર કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી. જો કે કોંગ્રેસે ગુરુવારે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે કમિટીઓની રચના કરી તેમાં તે જ જૂના નેતાઓને સ્થાન મળતાં દિલ્હીમાં બેસતા નેતાઓની યોજનાને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
જાહેર કરાયેલી 7 કમિટીમાં જૂના નેતાઓને જ સમાવાતા કોંગ્રેસના સેકન્ડ કેડરના નેતાઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ ઘટના બાદ વધુ એક વખત દિલ્હીની નેતાગીરી સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે. કોંગ્રેસે સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી અને કેમ્પેઇન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલને સ્થાન આપ્યું છે. આ ઉપરાંત સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, શૈલેશ પરમાર, અમી યાજ્ઞિક અને કાદિર પીરજાદાને અન્ય સમિતિઓમાં પ્રમુખ તરીકે નીમ્યા છે.
સેકન્ડ કેડરના કોંગ્રેસી નેતાઓમાં ભય
સેકન્ડ કેડરના નેતાઓ ખુલ્લેઆમ સિનિયર નેતાઓની પોલ ખૂલીને જાહેર કરતા હતા. પણ હવે જૂના નેતાઓને જ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવતાં યુવાન નેતાઓ નાસીપાસ થઈ ગયા છે. હવે ચૂંટણીમાં લડવા માટે જૂના નેતાઓ તેમની ટિકિટ કાપી શકે તેવો ભય છે.


comments powered by Disqus