સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 6 માર્ચે બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર મચી છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી 7 માર્ચે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરી નહોતી. વિદ્યાર્થિનીઓ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી, જે દરમિયાન તેમની લાશ મંદિર પરિસરથી મળી હતી.
ChatGPTથી આત્મહત્યાના રસ્તા શોધ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મૃતક યુવતી નાનપણની મિત્રો હતી અને કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જેમાં રોશની શિરસાઠે ChatGPT પર સર્ચ કર્યું હતું કે ‘How to commit suicide’. મંદિરમાં બંને યુવતીઓ બાથરૂમમાં જતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવતીઓએ બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસે બાથરૂમની તલાશી લેતાં ઇન્જેક્શન અને ઝેરી દવાની બોટલો મળી આવી છે.
અમેરિકાના પોડકાસ્ટરે કરી પોસ્ટ
અમેરિકામાં પોડકાસ્ટર અને સરકારી કાર્યક્ષમતા વિભાગના ભૂતપૂર્વ સલાહકાર કેટી મિલરે પોસ્ટ કરી હતી કે, ભારતમાં બે મહિલાએ ChatGPT સાથે વાતચીત કર્યા પછી આત્મહત્યા કરી. તેઓએ ChatGPT પર ‘આત્મહત્યા કેવી રીતે કરવી’, ‘આત્મહત્યા કેવી રીતે કરી શકાય’ અને ‘કયા ડ્રગ્સનો ઉપયોગ થાય છે’ વિશે સર્ચ કર્યું હતું. પ્રિયજનોને ChatGPTનો ઉપયોગ ન કરવા દો.
મસ્ક ચિંતામાં
આ ઘટનાની નોંધ ઇલોન મસ્કે લીધી છે. કેટીની પોસ્ટનો જવાબ આપતાં મસ્કે ‘Yikes’ લખીને આઘાત વ્યક્ત કર્યો. મસ્કની આ ટિપ્પણી બાદ આ મુદ્દો વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

