40 વર્ષ પછી બોફોર્સ કાંડનો કેસ બંધઃ સુપ્રીમ કોર્ટે અંતિમ અપીલ ફગાવી

Wednesday 12th August 2026 06:14 EDT
 
 

નવી દિલ્હીઃ ચાર દસકા જૂના બોફોર્સ કેસ પર આખરે પડદો પડી ગયો છે. દેશની સાથે વિદેશમાં પણ બહુ ગાજેલા આ કેસમાં બચેલો છેલ્લો કાનૂની પડકાર પણ હવે સમાપ્ત થયો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી હાઇકોર્ટના 2005ના નિર્ણય સામે વકીલ અને ભાજપ નેતા અજય કે. અગ્રવાલની અપીલ ફગાવી હિન્દુજા ભાઈઓ અને સ્વીડિશ કંપની એબી બોફોર્સ સામેની ક્રિમિનલ કાર્યવાહી બંધ કરી દીધી છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચ સમક્ષ અગ્રવાલે કહ્યું કે, શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજાના અવસાન થઈ ચૂક્યાં છે, તેથી તેમના નામ કેસથી દૂર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવે. કોર્ટે કહ્યું કે, મામલો 2018થી પેન્ડિંગ છે.
બહુચર્ચિત બોફોર્સ સોદો 24 માર્ચ 1986ના રોજ થયો હતો. રાજીવ ગાંધીની સરકારે એબી બોફોર્સ સાથે રૂ. 1,437 કરોડમાં 400 હોવિત્ઝર તોપો ખરીદવાનો કરાર કર્યો હતો. જે અંગે જાન્યુઆરી 1990માં સીબીઆઇએ ગુનાઇત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. 2004માં દિલ્હી હાઇકોર્ટે રાજીવ ગાંધી સામેના ક્રિમિનલ આરોપો રદ કર્યા હતા. 31 મે 2005એ દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ આર.એસ. સોઢીએ કહ્યું હતું કે, રૂ. 250 કરોડ ખર્ચાયા છતાં સીબીઆઇ પ્રાથમિક રીતે કેસ બનાવી શકી નથી. 2 નવેમ્બર 2018ના રોજ સુપ્રીમે સીબીઆઈની અપીલ ફગાવી દીધી હતી.


comments powered by Disqus