ચોમાસા બાદ મધ્યપ્રદેશથી ચાર ચિત્તા બન્નીમાં આવશે

Wednesday 12th August 2026 06:15 EDT
 
 

ગાંધીનગરઃ કચ્છના બન્ની ખાતેના ચિત્તા સંવર્ધન કેન્દ્રમાં ચોમાસા બાદ 4 ચિત્તા મોકલવાનું નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી-એનટીસીએના સૂત્રોએ કમિટમેન્ટ આપ્યું છે. જો કે રાજ્યનો વન વિભાગ સપ્ટેમ્બર બાદ 4થી 6 ચિત્તા આવવાની અપેક્ષા રાખી રહ્યો છે. આ ચિત્તા મધ્યપ્રદેશના કુનો-પાલનપુર અભયારણ્ય ખાતેથી જ આવશે એ પણ સ્પષ્ટ થયું છે. દરમિયાન બન્નીના ચિત્તા સંવર્ધન કેન્દ્રમાં એનટીસીએના સૂચનને ધ્યાનમાં લઈ ચિત્તાના ખોરાક માટે તૃણહારી પશુઓની સંખ્યા-વધારવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વેળાવદરના કાળિયાર અભયારણ્ય ખાતેથી જે 500 કાળિયાર બન્નીમાં શિફ્ટ કરવાની ભારત સરકારે મંજૂરી આપી છે, તે પૈકી પ્રથમ તબક્કામાં 9 જેટલા કાળિયાર બન્ની મોકલાયાં છે. આખા વર્ષમાં આ રીતે તબક્કાવાર કાળિયાર બન્ની શિફ્ટ કરાશે. અત્યારે બન્નીમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર ખાતે 800થી વધુ ચિત્તલ, સાબર અને કાળિયાર હોવાનું જણાવાઈ રહ્યું છે.
કુનો- પાલનપુર ચિત્તા અભયારણ્ય ડેવલપ કરનારા મધ્યપ્રદેશના આઇએફએસ ઓફિસર ઉત્તરકુમાર શર્માએ તેમની કચ્છ મુલાકાત દરમિયાન રાજ્યના વનવિભાગને જરૂરી સૂચનો કર્યા હતા, જેને અનુલક્ષીને મેડિકલ ઈક્વિપમેન્ટ્સ જેવાં કે, હેમેટોલાજી, એન્લાઈઝર, બાયોકેમિસ્ટ્રી એન્લાઈઝર, ઈન્ક્યુબેટર, માઈક્રોસ્કોપ, તેમજ એન્ટિબાયોટિક્સ, એન્ટિ ફંગલ, પેરાસાઈટિક તથા જનરલ દવાનો જથ્થો વસાવાયો છે, બે વેટરનરી ડોક્ટર તથા બે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી કરાઈ છે, વાહનોમાં સ્ટાફ માટે 4 બાઇક, એક બોલેરો તથા પ્રાણીઓના શિફ્ટિંગ માટે એક ગાડી વસાવાઈ છે, નવું વોચ ટાવર ઊભું થઈ રહ્યું છે, તેમજ 50 હેક્ટર જમીનમાં ઘાસની ક્વોલિટી સુધારવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બન્ની ખાતે 660 હેક્ટર ઘાસિયા પ્રદેશમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર ઉભું કરાયું છે, કેન્દ્ર સહાયિત આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે વનવિભાગને રૂ. 20 કરોડ આપ્યા હતા, જે પૈકી અત્યાર સુધી રૂ. 18 કરોડથી વધુ ખર્ચ થઈ ચૂક્યો છે, જેમાં આશરે 60 હેક્ટરમાં ક્વોરન્ટાઇન બોમા તથા સોફ્ટ રિલીઝ બોમા પછી 60 હેક્ટરના એક એવા 10 એક્લોઝર તૈયાર થયા છે, જેમાં વધુમાં વધુ 10 ચિત્તા રહી શકશે.


comments powered by Disqus