નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, જાપાન સહિત 23 દેશોની મુલાકાત કરી હતી. આ મુલાકાતો પાછળ 2025માં રૂ. 187 કરોડનો ખર્ચ થયો હતો. કેન્દ્ર સરકારે જ વડાપ્રધાન મોદીની વિદેશયાત્રાની વિગતો જાહેર કરી હતી ને સાથેસાથે 2011થી 2013 સુધી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અમુક વિદેશયાત્રાનો ડેટા પણ આપ્યો હતો.
રાજ્યસભામાં લેખિત સવાલના જવાબમાં અપાયેલી જાણકારી પ્રમાણે 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 દેશોની યાત્રા કરી હતી. જેમાં અમેરિકા, બ્રિટન, જાપાન, ફ્રાન્સ, ચીન ઉપરાંત શ્રીલંકા, થાઇલેન્ડ, મોરેશિયસ, જોર્ડન, ઓમાન જેવા દેશોનો પણ સમાવેશ થતો હતો. ફ્રાન્સની યાત્રા પાછળ સૌથી વધુ રૂ. 25 કરોડનો ખર્ચ થયો હતો. મોદીની અમેરિકા યાત્રા ભારત સરકારને રૂ. 1654 કરોડ રૂપિયામાં પડી હતી. તો સાઉદીની યાત્રાનો ખર્ચ રૂ. 15 કરોડ થયો હતો. ચીનની મુલાકાત પાછળ રૂ. 10 કરોડ અને બ્રિટનની મુલાકાતમાં રૂ. 9 કરોડનો ખર્ચ થયો હતો. 2021થી 2025 સુધીમાં વડાપ્રધાનની વિદેશયાત્રા પાછળ કુલ રૂ. 295 કરોડ ખર્ચાયા હતા.

