નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સશક્ત માર્ગદર્શનમાં ભારતે ભાગેડુ ગુનેગારો સામે નિર્ણાયક યુદ્ધ છેડ્યું છે. વર્ષ 2019થી 2026 દરમિયાન વિશ્વના 36 દેશોમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પાછા લાવીને મોદી સરકારે સાબિત કર્યું છે કે ગુનો આચરીને વિદેશ ભાગી જવું હવે સુરક્ષિત વિકલ્પ નથી રહ્યો.
અગાઉની સરકારોમાં રાજકીય ઇચ્છાશક્તિના અભાવને કારણે પ્રત્યાર્પણની પ્રક્રિયા વર્ષો સુધી ફાઈલોમાં ગૂંચવાયેલી રહેતી હતી પરંતુ વડાપ્રધાન મોદીએ ભાગેડુઓના પ્રત્યાર્પણને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવી અને ગૃહમંત્રી શાહે તેને મિશન મોડમાં આગળ વધારી કાયદાનો સકંજો વૈશ્વિકસ્તરે મજબૂત કર્યો છે. આજે ભારતે એક એવું એકીકૃત, ઇન્ટેલિજન્સ આધારિત અને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ મોડલ વિકસાવ્યું છે, જેના માધ્યમથી વિશ્વના કોઈપણ ખૂણામાં છુપાયેલા ગુનેગારોને શોધીને પરત લાવવાની પ્રક્રિયા અસરકારક બની છે.
મોદી સરકારની રણનીતિ ત્રણ મજબૂત સ્તંભો-વૈશ્વિક અભિયાન, મજબૂત સમન્વય અને સ્માર્ટ કૂટનીતિ પર આધારિત રહી છે. શાહે સ્પષ્ટ કર્યું છે કે, ભાગેડુ ગુનેગારોનો મુદ્દો માત્ર કાયદો અને વ્યવસ્થાનો નહીં પણ દેશના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સ્થિરતા અને ન્યાય વ્યવસ્થા સાથે જોડાયેલો વિષય છે. આ જ વિચારસરણીને અનુરૂપ કેન્દ્ર સરકારે સતત કાનૂની અને સંસ્થાકીય સુધારા કર્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 401 રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરાઈ છે. 2025માં લોન્ચ કરાયેલા ભારતપોલે 1,400થી વધુ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીને ઇન્ટરપોલ નેટવર્ક સાથે જોડીને માહિતી શેર કરવાની પ્રક્રિયાને ઘણા અઠવાડિયાથી ઘટાડીને માત્ર 3થી 10 દિવસ સુધી સીમિત કરી દીધી છે. આ ઉપરાંત મોદી સરકારે આર્થિક અપરાધીઓ સામે પણ અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. PMLAના કડક અમલીકરણને કારણે 2019થી 2026 વચ્ચે રૂ. 17,874 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે, જ્યારે રૂ. 18,762 કરોડ સફળતાપૂર્વક પરત મેળવવામાં આવ્યા છે.

