ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવા માટે રાજ્ય સરકારે વિદેશોમાં રોડ-શોનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓનાં પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈને રોકાણકારો, ઉદ્યોગ સંસ્થાઓ અને વૈશ્વિક કંપનીઓ સાથે બેઠક કરશે.
આયોજન મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાની મુલાકાત લેશે. અહીં તેઓ ટેક્નોલોજી, સેમિકંડક્ટર, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, નાણાકીય સેવાઓ અને અન્ય ક્ષેત્રના રોકાણકારો સાથે બેઠક કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને યુરોપના દેશોમાં રોડ-શો કરશે, જ્યાં ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક ટેક્નોલોજી અને નવીન રોકાણની તકો રજૂ કરશે. આ ઉપરાંત મંત્રી અર્જુન મોઢવાડિયા અને નાણામંત્રી કનુ દેસાઈ પણ અલગ-અલગ દેશોની મુલાકાતે જશે. સરકારના અન્ય ચાર મંત્રીને પણ વિવિધ દેશોની જવાબદારી સોંપાવાની શક્યતા છે. તેમની સાથે આઈએએસ અધિકારી, ઉદ્યોગ વિભાગના અધિકારીઓ, ઇન્ડેક્સ્ટ-બીના પ્રતિનિધિ અને ઉદ્યોગકારો પણ હશે. જેઓ સંભવિત રોકાણકારો સાથે બેઠક અને રોડ-શો યોજી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપશે.

