મથુરાઃ સંતસમાજે મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિની મુક્તિ માટે હવે કારસેવાનું એલાન કર્યું છે. મથુરાના રાધાકુંડ ક્ષેત્રના જુહેંદીસ્થિત ચિત્રગુપ્ત પીઠમાં રવિવાર સવારથી પોલીસ તંત્રની બાજનજર રહી હતી. કારસેવા મુદ્દે સવારે પીઠમાં હવન-પૂજન કરાયું હતું. હવનપૂજન બાદ સાધુસંતોની બેઠક યોજાઈ હતી અને 6 ડિસેમ્બરના રોજ કારસેવાની જાહેરાત કરાઈ હતી.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરના નિર્માણના ઇરાદા સાથે મગાવાયેલા ગુલાબી પથ્થરોનો પહેલો જથ્થો શુક્રવારે મોડી રાત્રે અહીં આવી પહોંચ્યો હતો. આ પથ્થરો ભરતપુના બંસીપહાડપુરથી મગાવાયા છે. આ પથ્થરોનો ઉપયોગ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ માટે કરાયો છે. ચિત્રગુપ્ત પીઠાધીશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે આ પથ્થરો મગાવ્યા હતા. તેમણે આ પહેલાં કહ્યું હતું કે, 9 ઓગસ્ટે આશ્રમથી વિધિવત્ કારસેવાની જાહેરાત થશે અને તેના માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે.

