નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસે ખાલિસ્તાની આતંકવાદીઓ હુમલો કરી શકે તેવી બાતમી બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ખાસ કરીને પંજાબને વધુ સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે અને રાજ્યને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું કે, ખાલિસ્તાન સમર્થકો કોઈ મોટું કાવતરું ઘડી રહ્યા છે. સમાચાર એજન્સી અનુસાર ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખાલિસ્તાની સમૂહ પંજાબના અનેક ભાગમાં હુમલાની યોજના બનાવે છે. તેઓ લાંબા સમયથી તેની તૈયારીમાં છે. તેમણે કહ્યું કે ખાલિસ્તાની સમર્થક આતંકવાદી જૂથ સાંકેતિક હુમલો કરવા માગતું હોવાથી 15મી ઓગસ્ટનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. આ ચેતવણી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને ફરી જીવિત કરવાના આઇએસઆઇના પ્રયાસોની વચ્ચે આવી છે. ભારત અને કેનેડા દ્વારા ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્ક પર કડક કાર્યવાહીને કારણે ધૂંધવાટમાં આ જૂથો પંજાબમાં અશાંતિનું કાવતરું ઘડી રહ્યાં છે.

