સુરતઃ ભારતીય સમુદ્રી સીમાઓને વધુ સુરક્ષિત બનાવવા ભારત સરકારે આત્મનિર્ભરતા તરફ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલું ભારતીય નેવીનું અદ્યતન એન્ટિ-સબમરિન વોરફેર શેલો વોટરક્રાફ્ટ (ASW-SWC) ‘INS માલવણ’ 22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નેવીમાં વિધિવત્ સામેલ થયું છે. આ યુદ્ધજહાજના નિર્માણમાં વપરાયેલું 100 ટકા સ્પેશિયાલિટી સ્ટીલ સુરતસ્થિત AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સુરત માટે ગૌરવની ક્ષણ બની છે.
પ્રતિષ્ઠિત કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત INS માલવણ ASW-SWC શ્રેણીનું બીજું યુદ્ધજહાજ છે. 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકો ધરાવતું આ જહાજ સમુદ્રના ઓછા ઊંડાણમાં દુશ્મન સબમરિન શોધી તેનો નાશ કરવા, તેના પર સતત નજર રાખવા તેમજ દરિયામાં બિછાવાયેલી માઇન્સ શોધી તેને નિષ્ક્રિય કરવાની અદ્યતન ક્ષમતા ધરાવે છે.
AM/NS India આ શ્રેણીનાં તમામ આઠ યુદ્ધજહાજો માટે 100 ટકા વિશિષ્ટ સ્ટીલનો પુરવઠો પૂરો પાડી રહી છે, જે ભારતીય નેવી સાથેની તેની મજબૂત ભાગીદારીનો પુરાવો છે. AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં બનેલા સ્ટીલનો ઉપયોગ કંપનીની અદ્યતન ઉત્પાદન ક્ષમતા, ટેકનિકલ કુશળતા અને ઉચ્ચ ગુણવત્તાનાં ધોરણોને પ્રતિબિંબિત કરે છે.

