વડોદરાઃ શહેરના સરદાર ધામ-3ના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું કે, ઉનાળાની રજા દરમિયાન વિદેશ પ્રવાસને બદલે ભારતમાં અનેક ફરવાલાયક સ્થળો છે, ત્યારે દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવી જોઈએ. પાટીદાર સમાજને સંબોધીને મોદીએ ખાસ અપીલ કરી કે, પાટીદારોએ ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ પ્રવાસે જવાના બદલે ભારતનાં સ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમજ ગુજરાતના એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતનાં પર્યટન કેન્દ્રોમાં આવા સમારોહ અને ડેસ્ટિનેશન વેડિંગ સમારોહ યોજવા જોઈએ. સાથે જ વિદેશમાં વસતા ભારતીયોને પણ દર વર્ષે 5 વિદેશી નાગરિકોને ભારતના પર્યટન સ્થળોની મુલાકાત માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
શહેરની વાઘોડિયા ચોકડી પાસે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત રાજ્યના ત્રીજા સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. કેન્દ્રીય મંત્રી અને સરદારધામના સંસ્થાપક ટ્રસ્ટી મનસુખ માંડવિયા, રાજ્ય સરકારના મંત્રી જિતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉમેર્યું કે, વર્તમાન સંજોગોમાં દેશના સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

