અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસીએ ફાઈનલ તપાસ અહેવાલ આવશેઃ નાયડુ

Tuesday 12th May 2026 17:46 EDT
 
 

ગાંધીનગરઃ 12 જૂને અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ થશે. એર ઈન્ડીયાના વિમાનની એ ભયાવહ દુર્ઘટનામાં 260 વ્યક્તિનાં મોત થયાં હતાં, જેની તપાસ હાલ અંતિમ તબક્કે છે. ફાઇનલ તપાસ અહેવાલ એકાદ મહિનામાં મળશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ગતવર્ષે 12 જૂને અમદાવાદ એરપોર્ટથી લંડન જવા ઉડ્ડયન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ એર ઇન્ડિયાનું બોઈંગ 787 સિવિલ હોસ્પિટલના કેમ્પસ નજીક ડોક્ટર્સ મેસ પર તૂટી પડ્યું હતું, જેમાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી અને 11 વિદેશી નાગરિકો સહિત 260 વ્યક્તિનાં મોત થયાં હતાં. આ ભયાનક ઘટનાની તપાસમાં એવા સંકેતો મળ્યા હતા કે, વિમાને ઉડ્ડયન ભર્યા બાદ તરત જ વિમાનના એન્જિનનો થ્રસ્ટ ઓછો થઈ ગયો હતો, પછી એન્જિન સિસ્ટમ તથા કોકપિટ પ્રોસિઝરની ઊંડી તપાસ શરૂ કરાઈ હતી. આ દુર્ઘટના બાદ દેશભરમાં કાર્યરત્ તમામ બોઈંગ 787 વિમાનોની તપાસના આદેશો અપાયા હતા. ગિફ્ટ સિટી ખાતે શુક્રવારે ઇન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0ના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી રામમોહન નાયડુએ કહ્યું હતું કે, આ દુર્ઘટનાનો અંતિમ રિપોર્ટ તપાસ એક મહિનામાં આવવાની શક્યતા છે. વિમાન દુર્ઘટનાની તપાસ બ્યૂરો-AAIBના નેતૃત્વમાં અનેક એજન્સીઓ દ્વારા ચાલી રહી. આ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હોવાથી નિયમ મુજબ કોઈપણ સંબંધિત દેશને આ રિપોર્ટની સમીક્ષા કરવાનો અધિકાર છે.


comments powered by Disqus