ખંભાળિયાઃ હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલી ઇરાન-અમેરિકાની લડાઈમાં ક્રોસ ફાયરિંગ દરમિયાન ગુજરાતના સલાયાનું એક જહાજ 7મેએ રાત્રે ડૂબી ગયું, તેમજ જહાજમાં સવાર 18 ક્રૂ મેમ્બર્સ પૈકી એકનું મોત થયું. આ ઘટનામાં અન્ય 3 ખલાસીને ઇજા થઈ છે, જેમની દુબઈમાં સારવાર ચાલી રહી છે. આ જહાજ ડૂબી જવાથી જહાજ માલિકને કરોડોનું નુકસાન થયું છે, ઉપરાંત એક ખલાસીનું મોત થતાં ભારત સરકાર પાસે મદદની માગ કરાઈ છે.
ડ્રોન અને રોકેટથી ખલાસીનું મોત
સલાયાનું માલવાહક વહાણ નૂરે સુલેમાની-1 7 મેએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદરે જઈ રહ્યું હતું. આ વહાણ પર એક ટંડેલ સહિત કુલ 18 ખલાસી સવાર હતા. વહેલી સવારે આશરે 1 વાગ્યે વહાણ હોર્મુઝની સામુદ્રધુનીથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઇરાની અને યુએસ નેવી વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. આ ફાયરિંગની ઝપેટમાં આવેલા ગુજરાતના વહાણ પર ડ્રોન અને રોકેટ વાગતાં એન્જિન રૂમમાં પાણી ભરાઈ ગયું હતું અને ખલાસીનું મોત થયું હતું, જ્યારે બે ખલાસી ઘાયલ થયા હતા, જેમને દુબઈમાં સારવાર અપાઈ રહી છે.
10 કલાક સુધી દરિયામાં ડૂબ્યા
જહાજનાં લાકડાં તૂટી જતાં ખલાસીઓ પ્લાસ્ટિકની પાણીની ટાંકીમાં ઘાયલ એન્જિનચાલકને અંદર મૂકી દરિયામાં કૂદી ગયા હતા. આ 18 ક્રૂ મેમ્બર્સ દરિયામાં જીવ બચાવવા 10 કલાક તર્યા હતા. ત્યારે સલાયાના જ એક પ્રેમસાગર નામના જહાજે તેમને બચાવ્યા હતા. આ તમામ દુબઈના બંદરે પહોંચ્યા ત્યારે દુબઈસ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને આ તમામને દુબઈની રાશિદિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ એન્જિનચાલક અલ્તાફ તાબલબ કેરનું મોત થયું હતું.
મૃતક ખલાસીના અંતિમ સંસ્કાર દુબઈમાં થશે
આ ઘટનામાં મૃતક એન્જિનચાલક અલ્તાફ તાબલબ કેરના અંતિમ સંસ્કાર દુબઈમાં થશે. દુબઈના ભારતીય દૂતાવાસે મૃતકના પરિજનો પાસે જવાબ માગ્યો હતો કે એમની શું ઇચ્છા છે. પરિવારની ઇચ્છા મૂજબ ભારતીય દૂતાવાસ
દ્વારા દુબઈમાં જ અલ્તાફ તાબલબ કેરના અંતિમ સંસ્કાર કરાશે.

