કેન્યાથી કચ્છ આવશે 4 ચિત્તાઃ તૈયારીઓ પૂર્ણ

Wednesday 13th May 2026 08:54 EDT
 
 

ગાંધીનગરઃ રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (એનટીસીએ)એ કચ્છના બન્ની ઘાસનાં મેદાનોમાં ચાર ચિત્તાને સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી બાકી છે અને તે મળ્યા બાદ જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા ગુજરાત લાવવામાં આવશે. આ સાથે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાત ચિત્તાઓનું નિવાસસ્થાન ધરાવતું બીજું રાજ્ય બનશે. મહત્ત્વાકાંક્ષી પુનર્વસન કાર્યક્રમ હેઠળ એક વર્ષમાં તબક્કાવાર કુલ 12 ચિત્તાને બન્નીમાં વસાવવાની યોજના છે.
કુનોમાં લાવવામાં આવેલા નામીબિયાના ચિત્તાઓને બદલે ગુજરાત માટેના ચિત્તાઓ કેન્યાથી લાવવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચિત્તાઓને પ્રથમ ભુજ લાવવામાં આવશે અને ત્યારબાદ બન્નીમાં ખસેડવામાં આવશે, જ્યાં દેશનું પ્રથમ સમર્પિત ચિત્તા સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે.
ચિત્તાઓને ખુલ્લા વિસ્તારમાં છોડતા પહેલાં એક મહિના સુધી ક્વોરન્ટાઇનમાં રખાશે. ત્યારબાદ તેમને કેન્યાના સવાના જેવા કુદરતી પર્યાવરણને અનુરૂપ તૈયાર કરાયેલા 500 હેક્ટરના વિશેષ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. ચિત્તા બહાર ભાગી ન જાય કે અન્ય શિકારી પ્રાણીઓ અંદર પ્રવેશી ન શકે તે માટે આશરે 9.8 કિલોમીટર લાંબી ચેઇન-લિંકવાડ પણ ઊભી કરવામાં આવી છે.


comments powered by Disqus