કેસર કેરીની આવકમાં વધારોઃ હવે ત્રીજો ફાલ આવશે

Tuesday 12th May 2026 17:51 EDT
 
 

રાજકોટઃ ગુજરાતમાં ભેજયુક્ત ગરમીનું પ્રમાણ વધવા સાથે સૌરાષ્ટ્રની વિશ્વ પ્રસિધ્ધ ગીરની કેસર કેરીની ગુજરાતભરની બજારોમાં ધૂમ આવક શરૂ થઈ છે અને તે સાથે ભાવમાં આશરે 20 ટકાનો ઘટાડો થયો છે. તાલાલા યાર્ડના સૂત્રો અનુસાર કેસર કેરીનું ફળ આ વખતે સારું મોટુ થયું છે અને કુદરતી મીઠાશ પણ જોવા મળી છે તથા એકંદરે ફળ કોઈ રોગથી સંક્રમિત નથી. હજુ તા. 20 પછી કેસર કેરીનો નવો ફાલ તૈયાર થઈને બજારમાં આવશે. તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજી શરુ થઈ ત્યારે પખવાડિયા પહેલા પ્રતિ 10 કિલો બોક્સના સરેરાશ ભાવ રૂા. 750 હતા, હાલ સરેરાશ ભાવ રૂ.600ની આસપાસ છે. આ ઉપરાંત પહેલા 4000થી 5000 બોક્સની આવક હવે વધીને 15000એ પહોંચી છે. સાવ નાનુ ફળ હોય તો ન્યુનત્તમ રૂા.350 અને મહત્તમ રૂા. 1150ના ભાવ ખેડૂતોને મળે છે.
પરંતુ, રાજકોટ સહિત રાજ્યભરની બજારોમાં આ કેસર કેરી મોટાભાગે કેમીકલથી પકવીને રૂ. 1200થી 1800ની 10 કિલો લેખે વેચાય છે. ફૂડ વિભાગ અનુસાર અમુક કેમીકલની સરકાર દ્વારા છૂટ અપાયેલી છે. ગ્રાહકોમાં હવે દિનપ્રતિદિન કેમીકલયુક્ત ઝેરી ખાતરથી મુક્ત હોય તેવા જ ફળફળાદિ ખરીદવાની જાગૃતિ આવી છે, લોકો હવે દરેક ફળની સાથે કેસર કેરી ઓર્ગેનિક માંગતા હોય છે તેના પગલે મોટાભાગની કેરીને ઓર્ગેનિક બતાવીને વેચાય છે. પરંતુ, કેસર કેરી જ્યાં પેદા થાય છે ત્યાં માંડ ત્રણ-ચાર ફાર્મજ ઓર્ગેનિક છે.લોકોમાં કુદરતી અને કેમીકલથી પકવેલી કેરીનો ભેદ પારખવાના અવનવા નુસ્ખા, પ્રયોગો પણ હવે પ્રચલિત થવા લાગ્યા છે.
હાલ, ગીર પંથકની અસલી કેસર કેરી ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક સ્થળ થતી કેસર કેરીની આવક બાદ ચોમાસું નજીક આવતાં કચ્છની પ્રસિદ્ધ કેરીની આવક પણ શરૂ થશે. આમ, એકંદરે આ વર્ષે લોકો ચોમાસાના આગમન અર્થાત્ પરંપરાગત ભીમ અગિયારસ સુધી તેમના માનીતા ફળ કેરીનો સ્વાદ માણી શકશે.


comments powered by Disqus